New Income Tax Act 2026 : નવા કાયદાનો સૌથી મોટો અને આવકારદાયક ફેરફાર તેની પરિભાષામાં છે. અત્યાર સુધી કરદાતાઓ ‘નાણાકીય વર્ષ’ (FY) અને ‘આકારણી વર્ષ’ (AY) વચ્ચેની મૂંઝવણમાં રહેતા હતા. ઘણીવાર સામાન્ય કરદાતા આ બંને વર્ષોના તફાવતને સમજવામાં ભૂલ કરતા હતા, જેના કારણે રિટર્ન ફાઇલ કરવામાં ટેકનિકલ ખામીઓ સર્જાતી હતી. હવે સરકારે આ મૂંઝવણનો કાયમી ઉકેલ લાવતા આ બંને શબ્દોને દૂર કર્યા છે. હવેથી માત્ર એક જ શબ્દ ‘કર વર્ષ’ (Tax Year) નો ઉપયોગ કરવામાં આવશે. આ ફેરફારથી કર ફાઇલિંગની પ્રક્રિયા અત્યંત સરળ અને પારદર્શક બનશે.
ITR ફાઇલિંગની નવી સમયમર્યાદા
ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખોમાં પણ મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. આઇટીઆર-1 અને આઇટીઆર-2 ફાઇલ કરનારા વ્યક્તિગત કરદાતાઓ માટેની છેલ્લી તારીખ 31 જુલાઈ યથાવત રાખવામાં આવી છે. જોકે, વેપારીઓ અને પ્રોફેશનલ્સ જે આઇટીઆર-3 અને આઇટીઆર-4 ફાઇલ કરે છે, તેમને મોટી રાહત આપવામાં આવી છે. તેમની અંતિમ તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. આ વધારાના સમયથી વ્યવસાયીઓને તેમના ઓડિટ અને હિસાબો પૂર્ણ કરવામાં વધુ સરળતા રહેશે.
HRA અને ઘરભાડાના નિયમોમાં મોટો સુધારો
નોકરિયાત વર્ગ માટે હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) ના નિયમોમાં મોટા ફેરફાર કરાયા છે. અત્યાર સુધી માત્ર મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ અને કોલકાતા જેવા મેટ્રો શહેરોમાં જ 50% એચઆરએ મુક્તિ મળતી હતી. હવે આ યાદીમાં અમદાવાદ, બેંગલુરુ, હૈદરાબાદ અને પુણે જેવા ઉભરતા મેટ્રો શહેરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, નોઈડા અને ગુરુગ્રામના રહેવાસીઓ 40% એચઆરએ મુક્તિનો લાભ મેળવી શકશે. જોકે, પારદર્શિતા લાવવા માટે હવે મકાનમાલિકનો પાન (PAN) નંબર અને ભાડાની ચુકવણીનો માન્ય પુરાવો આપવો ફરજિયાત રહેશે.
બાળકોના શિક્ષણ અને જમવા પર વધુ છૂટ
સરકારે મોંઘવારીને ધ્યાને રાખીને બાળકોના શિક્ષણ અને ભોજન માટે મળતી કરમુક્તિ મર્યાદામાં નોંધપાત્ર વધારો કર્યો છે. જૂની કર વ્યવસ્થા હેઠળ જે શિક્ષણ ભથ્થું અગાઉ માત્ર 100 રૂપિયા પ્રતિ માસ હતું, તે વધારીને 3,000 રૂપિયા કરવામાં આવ્યું છે. તેવી જ રીતે હોસ્ટેલ ભથ્થું 300 રૂપિયાથી વધારીને 9,000 રૂપિયા પ્રતિ માસ કરાયું છે. ઓફિસમાં મળતા મીલ કાર્ડ (Food Card) પરની કરમુક્તિ પણ 50 રૂપિયાથી વધારીને 200 રૂપિયા પ્રતિ ભોજન કરવામાં આવી છે, જે કર્મચારીઓની ટેક-હોમ સેલરીમાં વધારો કરશે.
શેરબજાર અને એફએન્ડઓ (F&O) માટે કડક જોગવાઈ
શેરબજારમાં સટ્ટાકીય પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે સરકારે ડેરિવેટિવ્ઝ (F&O) ટ્રેડિંગ પરના કરમાં વધારો કર્યો છે. સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) 0.02% થી વધારીને 0.05% કરવામાં આવ્યો છે. ઓપ્શન પ્રીમિયમ પર પણ ટેક્સ વધારીને 0.15% કરવામાં આવ્યો છે. બીજી તરફ, શેર બાયબેક પરના કરના નિયમો પણ બદલાયા છે. હવે બાયબેકથી થતી આવક પર સ્લેબ રેટ મુજબ ડિવિડન્ડ ટેક્સ લાગવાને બદલે ‘કેપિટલ ગેઈન’ તરીકે ટેક્સ લાગશે. આનાથી પ્રમોટરોએ આશરે 22% થી 30% સુધીનો કર ચૂકવવો પડી શકે છે.
PAN કાર્ડના નિયમો અને નવા ફોર્મ્સ
નવા કાયદા હેઠળ પાન કાર્ડની સુરક્ષા વધારવામાં આવી છે. હવે માત્ર આધાર કાર્ડના આધારે પાન કાર્ડ મેળવી શકાશે નહીં, અન્ય સહાયક દસ્તાવેજો પણ રજૂ કરવા પડશે. ઉપરાંત, રિયલ એસ્ટેટ, વાહન ખરીદી અને હોટલ પેમેન્ટ્સ જેવા મોટા નાણાકીય વ્યવહારો માટે પાન કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
કરવેરાના ફોર્મ્સમાં પણ મોટો બદલાવ
કરવેરાના ફોર્મ્સની દુનિયામાં પણ મોટો બદલાવ જોવા મળશે. વર્ષોથી જાણીતું ‘ફોર્મ 16’ હવે ‘ફોર્મ 130’ તરીકે ઓળખાશે. તેવી જ રીતે 26-એએસ (26AS) ને ફોર્મ 168 માં અને 24-ક્યુ (24Q) ને ફોર્મ 138 માં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. ભલે આ ફોર્મ્સના નામ બદલાયા છે, પરંતુ તેની મૂળ કામગીરી અને ઉપયોગિતા પહેલાની જેમ જ જળવાઈ રહેશે.
ડિજિટલ ભારત અને સરળ કરવેરા પ્રણાલી તરફનું એક મજબૂત કદમ
નવો આવકવેરા કાયદો 2025 એ ડિજિટલ ભારત અને સરળ કરવેરા પ્રણાલી તરફનું એક મજબૂત કદમ છે. જોકે, શેરબજારના વેપારીઓ અને મોટા વ્યવહારો કરનારાઓ માટે નિયમો કડક થયા છે, પરંતુ સામાન્ય નોકરિયાત વર્ગને એચઆરએ અને ભથ્થાઓમાં મળેલી રાહતથી ઘણો ફાયદો થશે. સરકારનો દાવો છે કે આ ફેરફારોથી કરચોરી અટકશે અને ઈમાનદાર કરદાતાઓને પ્રોત્સાહન મળશે.




Leave a Comment