ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ અલી સાથે દિલજીત દોસાંજની આગામી ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે

ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ અલીની અભિનેતા-ગાયક દિલજીત દોસાંઝ સાથેની આગામી ફિલ્મ એપ્રિલ 2026 માં વૈશાખીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ઇમ્તિયાઝ અલી અને દોસાંઝની એકસાથે બીજી ફિલ્મ હશે. આ પહેલા 2024 માં આવેલી તેમની ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ ને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.
આગામી ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, શર્વરી અને વેદાંગ રૈના પણ છે. ઇમ્તિયાઝ અલીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું, “શું ખરેખર પ્રેમ ખોવાઈ શકે છે? શું કોઈના હૃદયમાંથી કોઈનું સ્થાન છીનવી શકાય છે? આ ફિલ્મ હૃદય સાથે જોડાયેલી છે. તેનો કેનવાસ મોટો છે પણ વાર્તા હૃદયની ખૂબ નજીક છે. તે એક છોકરા અને છોકરીની વાર્તા છે પણ એક દેશની વાર્તા પણ છે.”
તેમણે કહ્યું, “અમને આશા છે કે આ ફિલ્મ આવતા વર્ષે થિયેટરોમાં દર્શકો માટે હૃદયસ્પર્શી અનુભવ લાવશે.” આ ફિલ્મ ઇમ્તિયાઝ અલી, એઆર રહેમાન અને ઇર્શાદ કામિલને ફરીથી જોડશે, જેમણે ‘અમર સિંહ ચમકીલા’, ‘તમાશા’ અને ‘રોકસ્ટાર’ જેવી ફિલ્મોમાં તેમના કેટલાક યાદગાર ગીતો આપ્યા છે.
આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ઓગસ્ટમાં શરૂ થશે. ઇમ્તિયાઝ અલી અને દિલજીત દોસાંઝની પાછલી ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ પણ 2024માં વૈશાખીના અવસર પર રિલીઝ થઈ હતી.