અમદાવાદમાં ભારે વરસાદમાં ડ્રેનેજ લાઇનમાં વહી ગયેલા વ્યક્તિનો 9 કલાક બાદ મૃતદેહ મળ્યો, ફાયર બ્રિગેડે 200 ફૂટ દૂરથી શોધી કાઢ્યો

અમદાવાદમાં ગઇકાલે (25 જૂન) સાંજે 7 વાગ્યા બાદ પડેલા ભારે વરસાદના કારણે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં. પૂર્વ વિસ્તારમાં મણિનગર, વટવા, સીટીએમ, હાટકેશ્વર, નિકોલ ઓઢવ અને વિરાટનગર સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થતિ જોવા મળી હતી. ત્યારે ઓઢવના અંબિકાનગર મોગલ માતાના મંદિર પાસે ખારીકટ કેનાલ નજીક વરસાદી પાણીના પ્રવાહમાં ડ્રેનેજ લાઈનમાં એક બાઈક ચાલક તણાઈ ગયો હતો. ફાયર બ્રિગેડે 9 કલાકની ભારે જહેમત બાદ તેનો મૃતદેહ ડ્રેનેજ લાઈનના 200 ફૂટ દૂરથી શોધી કાઢ્યો હતો.
બાઇક પર કાબૂ ગુમાવતાં વ્યક્તિ પાણીમાં પડી
મળેલી માહિતી મુજબ, રાત્રે 8:50 વાગ્યાની આસપાસ ઓઢવ ફાયર સ્ટેશનને માહિતી મળી હતી કે ઓઢવ અંબિકાનગરની મોગલ માતાના મંદિર પાસે ખારીકટ કેનાલની બાજુમાં ડ્રેનેજ લાઈનના ખાડામાં બાઈક સાથે એક વ્યક્તિ પડી ગઈ છે, જેથી ઓઢવ ફાયર સ્ટેશનની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. નિકોલ ફાયર સ્ટેશનની ટીમ પણ ઘટનાસ્થળે આવવા માટે નીકળી હતી. ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ત્યારે ડ્રેનેજ લાઈનનો ખાડો હતો, જેમાં ખૂબ પાણી ભરાયેલું હતું. સતત વરસાદ પડી રહ્યો હતો. ઘટનાસ્થળ ઉપર સ્થાનિક લોકો સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે બાઈક સાથે એક વ્યક્તિ ત્યાંથી પસાર થતી હતી અને તરત જ કાબૂ ગુમાવતાં તે પાણીમાં પડ્યો હતો અને ખાડામાં ગરકાવ થઈ ગયો હતો.
પાણીનો પ્રવાહ વધુ હોવાથી રેસ્ક્યૂ મુશ્કેલ બન્યું
ખારીકટ કેનાલની બાજુમાં મોટી ડ્રેનેજ લાઈનનો ખાડો અને તેમાંથી સીધી ડ્રેનેજ લાઈન ખારીકટ કેનાલમાં નીકળતી હતી, જેને આજુબાજુ બેરિકેડ્સ કરેલાં હતાં અને ભારે વરસાદના કારણે પડી ગયેલાં હતાં. બાઈક ચાલક વ્યક્તિ ડ્રેનેજ લાઈનમાં પાણીમાં વહી ગઈ હોવાની શંકા હતી, જોકે વરસાદ સતત ચાલુ અને પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હતો, જેના કારણે ડ્રેનેજ લાઈનમાં જવું શક્ય નહોતું. તેમ છતાં પણ અન્ય સાધનોની મદદથી ડ્રેનેજ લાઈનમાં જો આગળ ક્યાંય આધેડ ફસાઈ ગયો હોય તો શોધવાની કામગીરી શરૂ કરી હતી. રાત્રે બે વાગ્યા સુધી સતત પ્રયાસ કર્યા હતા, પરંતુ ખૂબ જ પાણી હોવાના કારણે અંદર જઈ શકાય એવી સ્થિતિ નહોતી.
200 ફૂટ દૂરથી આધેડનો મૃતદેહ મળ્યો
વહેલી સવારે 4:00 વાગ્યા સુધી ડ્રેનેજ લાઈનમાં પાણી ઓછું થયું હતું અને ફાયર બ્રિગેડના કર્મચારી અંદર ઊતરીને એનું માત્ર મોઢું દેખાઈ શકે એટલું પાણી હોવાથી ફાયર બ્રિગેડના ત્રણ કર્મચારીને સેફટીનાં સાધનો સાથે મોટી ડ્રેનેજ લાઈનમાં ઉતારવામાં આવ્યા હતા. આશરે 200 ફૂટ દૂર જતાં એક ફાયરમેનના પગમાં બાઈક આવી હતી, જેથી નીચે તપાસ કરતાં મૃતદેહ જેવું પણ હતું. ફાયર બ્રિગેડના કર્મચારીઓ બહાર આવીને બીજું દોરડુ લઈ ગયા હતા. સૌપ્રથમ મૃતદેહને બાઈકની નીચેથી ઊંચો કરી અને દોરડા વડે બાંધ્યો હતો. બાદમાં એને 200 ફૂટ બહાર ખેંચ્યો હતો.
અંબિકાનગરના બેલા પાર્કમાં રહેતા હતા આધેડ
ખૂબ ભારે જહેમત બાદ મૃતદેહને બહાર લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફરીથી બીજા બે ફાયરમેન સાથે કુલ પાંચ જણા બાઈક લેવા માટે અંદર ગયા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ ભારે મહેનત કરી અને 9 કલાક બાદ બાઈક અને લાપતા વ્યક્તિને શોધી કાઢી હતી. મૃતકનું નામ મનુભાઈ પંચાલ (ઉંમર વર્ષ 52) અને ઓઢવના અંબિકાનગર પાસે આવેલા બેલા પાર્કમાં રહેતા હોવાનું સામે આવ્યું છે.