GUJARAT

સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ ન વધતા યુવકે ઝેર પી કર્યો આપઘાત

સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુદિયાણા ગામમાંથી આ ઘટના આવી રહી છે, જેમાં યુવાન પ્રતિક પટેલની વીડિયો ક્રિએટર સુપરસ્ટાર બનવાની ઘેલછા ચકનાચૂર થઈ રહી હોવાના અહેસાસથી તેણે ઝેરી દવા પી જઈ મોતને વ્હાલું કર્યું છે. જેના પગલે પરિવારજનો સહિત તાલુકાના તળપદા કોળી પટેલ સમાજમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે.

યુવાનો હોય કે નાના બાળકો હોઈ દિનપ્રતિદિન મોબાઈલની લત તેમજ સોશિયલ મીડિયા પર ખુબ ઓછા સમયમાં ઓછી મહેનતે પ્રસિદ્ધિ મેળવવાની ઘેલછા સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે. બાળકો મોબાઈલ ગેમ રમવામાં તો યુવાનો રિલ્સના ચક્કરમાં જોખમી સ્ટંટ કરતા જોવા મળે છે. જોખમી ગેમ અને પ્રસિદ્ધિ મેળવવા કરાતા જોખમી સ્ટન્ટથી અનેક યુવકોએ જીવ ગુમાવ્યા છે. મોબાઈલની લતમાં ઠપકો મળતા આપઘાતના પણ ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.

ઓલપાડના કાંઠા વિસ્તારના કુદિયાણા ગામે નવી કોલોનીમાં રહેતા રિક્ષા ડ્રાઇવર ઈશ્વરભાઈ જમુભાઈ પટેલનો 21 વર્ષીય પુત્ર પ્રતિક અનેક ફ્ટિનેસ મેળાઓમાં ભાગ લઈ મેડલથી સન્માનિત થયો હતો. પ્રતિક પટેલની વીડિયો ક્રિએટર સુપરસ્ટાર બનવાની મહેચ્છા હતી. જેથી પ્રતિક તે દિશામાં પ્રયાસ કરી રોજ ફ્ટિનેસ સેન્ટરમાં જવા સાથે જિલ્લા અને તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યો હતો. પ્રતિક પોતાના જુદાજુદા વીડિયોની 396 રિલ્સ બનાવી પોતાના ઇન્સ્ટગ્રામ ફેસબુક ઉપર સતત વાયરલ કરી પોતાને ફોલો કરવા અપીલ કરી ફોલોઅર્સ મિત્રો વધારવા પ્રયાસ કરી રહ્યો હતો.

તેમ છતાં અન્ય ઇન્સ્ટગ્રામ સ્પર્ધકોની તુલનામાં પ્રતિકના માત્ર ૭,૯૨૩ ફોલોઅર્સ મિત્રો જણાતા તે પાછળ પડી રહ્યો હોવાથી છેલ્લા ઘણા સમયથી હતાશા અનુભવી રહ્યો હતો. જેના કારણે પ્રતિક પટેલે ગત તારીખ 1 માર્ચના રોજ બપોરે-૩:૩૦ કલાકે પોતાના ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ઘાસ મારવાની ગિન્ની નામની ઝેરી દવા ગટગટાવી હતી. આ ઘટનાની જાણ થતાં પરિવારજનો પ્રતિકને સારવાર અર્થે સુરત ખાતેની નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં ચાલુ સારવાર દરમ્યાન ગત ગુરૂવાર, તારીખ 3 એપ્રિલના રોજ ફરજ પરના તબીબે પ્રતિકને મૃત જાહેર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button