ભારતના પૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું 77 વર્ષની ઉંમરે અવસાન, સચિન તેંડુલકરે શોક વ્યક્ત કર્યો

ભારતના જાણીતા ભૂતપૂર્વ સ્પિનર દિલીપ દોશીનું સોમવારે 23 જૂનના રોજ લંડનમાં 77 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેમના નિધનના સમાચારથી ભારતીય ક્રિકેટ જગત દુખમાં ડૂબી ગયું છે. સચિન તેંડુલકર સહિતના ઘણા દિગ્ગજોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. દિલીપ દોશીનો જન્મ 22 ડિસેમ્બર 1947ના રોજ રાજકોટમાં થયો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોડે પ્રવેશ કર્યો હોવા છતાં પણ પોતાની શાંતિ, ચોકસાઈ અને બોલિંગથી એક ખાસ ઓળખ ઉભી કરી હતી.
સચિનની ભાવુક પોસ્ટ “દિલીપ ભાઈ ખૂબ પ્રેમાળ વ્યક્તિ હતા”
સચિન તેંડુલકરે X પર દિલીપ દોશીને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું હતું: “હું દિલીપ ભાઈને પ્રથમ વખત 1990માં બ્રિટનમાં મળ્યો હતો, ત્યારે તેમણે નેટમાં મને બોલિંગ કરી હતી. તેઓ મને ખૂબ પસંદ કરતા હતા અને હું તેમનો બહુ આદર કરતો હતો. તેઓ ખૂબ પ્રેમાળ વ્યક્તિ હતા. તેમના ક્રિકેટ વિશેના અભિપ્રાયો અને વાતો મને યાદ રહેશે. ઓમ શાંતિ.”
દિલીપ દોશીએ પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરની શરૂઆત 1968-69માં કરી હતી અને 1986 સુધી તેમણે 238 મેચમાં 898 વિકેટ લીધી હતી. ભારતીય ક્રિકેટમાં તેઓ મુખ્યત્વે બંગાળ માટે રમ્યા હતા, ઉપરાંત સૌરાષ્ટ્રનું પણ પ્રતિનિધિત્વ કર્યું હતું. ઈંગ્લેન્ડમાં તેમણે નોટિંગહામશાયર અને વોરવિકશાયર માટે પણ રમ્યા હતા. નોટિંગહામશાયર માટે તેમણે 44 મેચમાં 157 વિકેટ લીધી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે 32 વર્ષની ઉંમરે વર્ષ 1979માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. પ્રથમ મેચ ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામે હતી જેમાં તેમણે 6/103નો સ્પેલ ફેંકી સૌનું ધ્યાન ખેંચ્યું. તેમણે 1979થી 1983 વચ્ચે ભારત માટે 33 ટેસ્ટમાં 114 વિકેટ લીધી હતી. તેઓ એવા 9 ભારતીય ખેલાડીઓમાંથી એક છે જેમણે ટેસ્ટ ડેબ્યૂમાં 5 કે તેથી વધુ વિકેટ લીધી છે.
અવસાનથી ભારતીય ક્રિકેટમાં શોક
દિલીપ દોશીનું ક્રિકેટ કારકિર્દી ભલે ટૂંકી રહી હોય, પરંતુ તેમના સ્પિન અને નિયંત્રણ ક્રિકેટ પ્રેમીના મનમાં આજે પણ જીવંત છે. તેઓના અવસાનથી ભારતીય ક્રિકેટે એક શાંત, દિગ્ગજમાના એકને ગુમાવ્યો છે.