‘સારા છોકરા ફિલ્મોમાં જ હોય છે…’, વિજય વર્મા સાથે ડેટિંગ પર ફાતિમાએ આપી સ્પષ્ટતા

અભિનેત્રી ફાતિમા સના શેખ હાલમાં પોતાની આવનારી ફિલ્મ ‘મેટ્રો ઇન દિનો’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે સાથે જ તેણે આર માધવન સાથેની પોતાની બીજી અપકમિંગ ફિલ્મ ‘આપ જૈસા કોઈ નહીં’ના ટ્રેલર પર મળતા પ્રતિસાદ અંગે પણ ચર્ચા કરી. જો કે સોશિયલ મીડિયામાં અને બૉલીવુડ ગોસિપમાં ફાતિમા અને વિજય વર્માના સંબંધની ચર્ચા જોર પકડી રહી હતી.
હવે ફાતિમાએ ખુદ આ બાબતે સ્પષ્ટતા આપી છે. “હું સંપૂર્ણ રીતે સિંગલ છું”, એવું કહેતાં તેણે વિજય વર્મા સાથેના લિંકઅપની તમામ અટકળોનો ઈનકાર કર્યો છે. ‘આપ જૈસા કોઈ નહીં’ના ટ્રેલર લોન્ચ દરમિયાન ફાતિમાને જયારે પત્રકારોએ વિજય વર્મા સાથેના સંબંધ અંગે પૂછ્યું ત્યારે તેણે સાવ સીધા શબ્દોમાં કહ્યું કે, “મારું કોઈ સાથે કંઈ નથી ચાલી રહ્યું. હું સિંગલ છું.”
એકબીજા સાથે બરાબરીનો વ્યવહાર કરે
ફાતિમાએ સંબંધોના વિચારો પણ ખુલ્લા હૃદયથી શેર કર્યા. તેણે જણાવ્યું કે સારો સંબંધ તે હોય છે જ્યાં બંને વ્યક્તિઓ એકબીજાનું સન્માન કરે, વિચારો સાંભળે અને એકબીજા સાથે બરાબરીનો વ્યવહાર કરે. “જ્યારે તમે સંબંધમાં હો ત્યારે તમારું પોતાનું અસ્તિત્વ ન ગુમાવતાં એ સંબંધ માટે કામ કરો,” એવું પણ તેણે ઉમેર્યું.
સારા છોકરા તો ફક્ત ફિલ્મોમાં જ હોય છે
જ્યારે ફાતિમાને પૂછાયું કે, શું ક્યારેય કોઈ એવો વ્યક્તિ મળ્યો છે કે જે તેના સંબંધના વિચારોથી મેળ ખાય? તો એના જવાબમાં ફાતિમાએ ખુશમિજાજી ભર્યો ઉત્તર આપતાં કહ્યું, “સારા છોકરા તો ફક્ત ફિલ્મોમાં જ હોય છે, અસલ જીંદગીમાં તો જોવા નથી મળતા!” જેથી પ્રેક્ષકોમાં હાસ્ય અને વિચાર બંને જગાયા.