NATIONAL

Haryana બીફ ખાવાની શંકામાં એકની હત્યા

  • ચરખી દાદરી જિલ્લામાં કેટલાક યુવકોએ ગૌમાંસ રાંધીને ખાવાના અને વેચવાનો આક્ષેપ કરી માર માર્યો
  • ગૌરક્ષક જૂથના પાંચ લોકોની ધરપકડ, બે કિશોર પણ પકડાયા,
  • હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીએ કહ્યું કે આ યોગ્ય નથી, કડકમાં કડક સજા કરાશે

હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં પશ્ચિમ બંગાળના એક પ્રવાસી શ્રમિકની કથિત રીતે ઢોર માર મારીને હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ગુનાના સંબંધમાં ગૌરક્ષક દળના સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. અહેવાલો અનુસાર મૃતક શ્રામિકે પશુનું માંસ ખાધુ હતું. પોલીસે જણાવ્યું હતું કે સાબિર મલિક નામક આ શ્રમિકની ગત 27 ઓગસ્ટના રોજ હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના અંગે રાજ્યના મુખ્યપ્રધાન નાયબ સિંહે સૈનીએ કહ્યું હતું કે ઘટનાને મોબ લિંચિંગ કહેવી યોગ્ય નથી, કારણ કે ગૌરક્ષા માટે વિધાનસભાએ સખત કાયદો ઘડયો છે અને તેના પર કોઇ સમજૂતી કરી શકાય તેમ નથી. હું કહેવા માગુ છું કે આવી ઘટનાઓ ન થવી જોઇએ અને આવી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. પોલીસે જણાવ્યું હતું કે મૃતકે ગૌમાંસ ખાધુ હોવાની આશંકા રાખીને અભિષેક, મોહિત, રવિંદર, કમલજીત અને સાહિલ નામના શખ્સોએ ખાલી પ્લાસ્ટિક બોટલો વેચવાના બહાને મૃતકને દુકાન પર બોલાવી તેને મારવાનું શરૂ કર્યું હતું. કેટલાક લોકોના હસ્તક્ષેપ બાદ આરોપીઓ મલિકને બીજી જગ્યાએ લઇ ગયા હતા અને ત્યાં ફરીવાર તેને માર માર્યો હતો જે કારણે તેનું મોત થયુ હતું. પકડાયેલા આરોપીઓમાં બે સગીર પણ છે. પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે સાંજે તેમને સૂચના મળી હતી કે ભાંડવા ગામ પાસે એક યુવાનનો મૃતદેહ પડયો છે. જે બાદ પોલીસે ત્યાં જઇને મૃતદેહ કબ્જે લીધો હતો. મૃતકની ઓળખ પશ્ચિમ બંગાળના 24-પરગણા જિલ્લાના બાસંતી બલ્લારોપ મેજરપાલા શિવગંજના રહેવાસી સાબિર મલિકના રૂપમાં થઇ છે. પોલીસે મૃતકના સાળા સુજાઉદ્દીનની રાવ પર કેસ દાખલ કર્યો હતો.

પહેલા પોલીસ સ્ટેશનલ લઇ ગયા હતા

સુજાઉદ્દીને કહ્યું હતું કે 27 ઓગસ્ટે કેટલાક લોકો અમારી પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે તમે સંરક્ષિત પશુનું માંસ ખાવ છો. તે બાદ તેઓ પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. તે બાદ કેટલાક લોકો ફરી આવ્યા હતા અને ભંગાર વેચવાના બહાને તેઓ મારા બનેવીને લઇ ગયા હતા. તે વખતે તેમણે અમારા એક અન્ય પરિચિત આસામના અસિરુદ્દીનને પણ બોલાવ્યો હતો. ત્યારબાદ તેમણે બંનેને લાકડીઓ વડે ફટકાર્યા હતા અને બાઇક પર લઇ ગયા હતા અને તે બાદ અમારા બનેવીનો મૃતદેહ મળ્યો હતો.

ગૌમાંસ ખાવાની શંકા હતી

પોલીસે જણાવ્યું હતું કે મૃતક કચરો વીણવાનું કામ કરતો હતો અને તે અહીં ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. ગૌરક્ષક દળના સભ્યોને શંકા હતી કે સાબિરે પોતાના સાથીઓ સાથે મળીને બીફ રાંધીને ખાધું છે. અને તે બાદ તેમણે 27 ઓગસ્ટે તેમને માર મારીને હત્યા કરી નાખી હતી. પોલીસના અનુસાર ધરપકડ કરવામાં આવેલા ચાર આરોપી સ્થાનિક છે.

નાસિકમાં ગૌમાંસની શંકામાં ટ્રેનમાં વૃદ્ધ સાથે મારપીટ

મહારાષ્ટ્રના નાસિકમાં ગૌમાંસ લઇ જવાની આશંકા હેઠળ લોકોએ એક વૃદ્ધ મુસાફર સાથે જોરદાર મારપીટ કરી હતી. એક્સપ્રેસ ટ્રેનમાં મારપીટનો વીડિયો વાઇરલ થયા બાદ હવે જીઆરપી એક્ટિવ થઇ છે અને તેણે તપાસ શરૂ કરી છે. ટ્રેનના મુસાફરોને શંકા હતી કે વૃદ્ધ મુસાફર પોતાની સાથે ગૌમાંસ લઇ જઇ રહ્યા છે અને પછી જોતજોતામાં આ વાત જંગલની આગની જેમ ફેલાઇ ગઇ હતી. શંકાને દૂર કરવા માટે તપાસ કરાય તે પહેલા જ કેટલાક લોકો હિંસક બની ગયા હતા અને તેમણે વૃદ્ધ મુસાફર સાતે મારપીટ શરૂ કરી હતી. પીડિતની ઓળખ હાજી અશરફ મુનિયાર તરીકે થઇ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button