ગુજરાતના 32 જિલ્લાના કુલ 89 તાલુકાઓમાં ભારે વરસાદ, 21 જળાશય હાઇ એલર્ટ પર

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ની માહિતી અનુસાર, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના 32 જિલ્લાના કુલ 89 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં નોંધાયો છે,
જ્યાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં 2.5 ઇંચ, જ્યારે ડાંગના સુબીર તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉમરગામ અને ધરમપુરમાં પણ સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે.
રેડ એલર્ટ હેઠળ 3 જિલ્લાઓ
હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે, આજે એટલે કે 2 જુલાઈ, 2025ના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ તેમજ કેન્દ્રશાસિત દમણ અને દાદરા-નગર હવેલીમાં સાંજે 4 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
આગામી સપ્તાહ દરમિયાન રાજ્યમાં વરસાદી સ્થિતિ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હળવો થી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા છે. દરિયામાં ઊંચી લહેરોની શક્યતા હોવા પગલે માછીમારોએ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
વેધર વોચ બેઠક યોજાઈ
SEOC ગાંધીનગર ખાતે મંગળવારે ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખી વેધર વોચ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચાલુ વરસાદની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને સંબંધિત વિભાગોને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
NDRF અને SDRF ટીમો તૈયાર
વરસાદને લઈને કટોકટીની શક્યતા સામે તૈયારીના ભાગરૂપે, રાજ્યના વિવિધ જિલ્લામાં NDRF અને SDRFની કુલ 32 ટીમો તૈનાત કરવામાં આવી છે, જ્યારે 2 ટીમો સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.
સિંચાઈ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, રાજ્યના કુલ 206 જળાશયોમાંથી 21 જળાશય હાઇ એલર્ટ પર છે. ઉપરાંત 12 જળાશયો એલર્ટ અવસ્થામાં છે અને 19 જળાશય વોર્નિંગ લેવલ પર પહોંચ્યા છે.