અમદાવાદમાં મેઘરાજા મંડાયા, 2 થી 3 ઈંચ વરસાદમાં પડતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

ગુજરાતમાં આગામી 6 દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે રાજ્યમાં આજે બુધવારે (25 જૂન) 100થી વધુ તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ
અમદાવાદ શહેરમાં મેઘરાજા મંડાયા છે. આજે (25 જૂન) સાંજ બાદ સતત શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સેટેલાઈટ, પ્રહલાદનગર, જોધપુર, એલિસબ્રિજ, લાલ દરવાજા, પાલડી, જમાલપુર, મણિનગર, ઘોડાસર, ઇસનપુર, નરોડા, વસ્ત્રાલ, ઓઢવ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. બે થી ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતા પૂર્વના ઓઢવ, મણિનગર અને હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. આવી જળબંબાકારની સ્થિતિ સર્જાતા આસિસ્ટન્ટ કમિશ્નર સહિત AMCનું સ્ટાફ ભારે વરસાદમાં જગ્યા પર પહોંચ્યું હતું.
સૌથી વધુ 5 ઇંચ વરસાદ મણિનગરમાં ખાબક્યો
પૂર્વ વિસ્તારમાં ત્રણ કલાકમાં સૌથી વધુ મણિનગરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ઓઢવ અને રખિયાલમાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા એક કલાકમાં શહેરના પૂર્વ વિસ્તારમાં મણિનગર અને રામોલ તેમજ પશ્ચિમ વિસ્તારના બોડકદેવમાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તો બીજી તરફ વિરાટનગર, ગોમતીપુર, નરોડા, મેમકો, કોતરપુર, સૈજપુર ગરનાળા, એરપોર્ટ રોડ, સરદારનગર, નિકોલ, રામોલ, કઠવાડા, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડિયા, ઘોડાસર, ઇસનપુર, વટવા અને જશોદાનગર સહિતના વિસ્તારોમાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. પ્રહલાદનગર, રામદેવનગર, વસ્ત્રાપુર, ગુજરાત યુનિવર્સિટી, ઇન્કમટેક્સ, વાડજ વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
રસ્તા પર પાણી ભરાયા
ખોખરાથી સીટીએમ જતા રસ્તા પર પાણી ભરાયા છે. જ્યારે ગોરના કુવાથી અમરાઈવાડી સુધીનો રસ્તો જળમગ્ન થયો છે. ભારે વરસાદના પગલે અનેક અંડરપાસમાં પાણી ભરાતા અવરજવર ઠપ થઈ છે. અનેક જગ્યાએ રોડ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ન્યૂ વસ્ત્રાલ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. કુબેરનગર અને મીઠાખળી અંડરપાસ બંધ કરાયા છે.
ઓઢવમાં એક વ્યક્તિ ખાડામાં પડ્યો
શહેરના ઓઢવમાં એક વ્યક્તિ ખાડામાં પડ્યો હોવાના સમાચાર મળ્યા છે. જે ખારીકડ કેનાલમાં તણાયાનું અનુમાન છે. હાલ ફાયર વિભાગ દ્વારા શોધવાની કામગીરી હાથ ધરાઈ છે.
હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયો
અમદાવાદનો હાટકેશ્વર વિસ્તાર ભારે વરસાદ અને પાણી નિકાલ ન થતા બેટમાં ફેરવાયો છે. ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા છે.
6 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે ગુરુવારે (26 જૂન) અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.