SPORTS

ભારતના સ્ટાર હોકી ખેલાડીએ નિવૃત્તિ લીધી, ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા

અનુભવી ફોરવર્ડ લલિત ઉપાધ્યાયે એક દાયકાથી વધુ સમયના તેમના શાનદાર આંતરરાષ્ટ્રીય કરિયરને અલવિદા કહ્યું છે. તેઓ ટોક્યો અને પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય પુરુષ હોકી ટીમના સભ્ય હતા. ગોલ કરવાની અસાધારણ ક્ષમતા ધરાવતા લલિત, સિનિયર સ્તરે ભારત માટે 183 મેચ રમ્યા હતા, જેમાં 67 ગોલ કર્યા હતા. 312 વર્ષીય આ ખેલાડીએ ભારતીય ટીમ માટે પોતાની છેલ્લી મેચ 15 જૂને ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.

ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા

ઓલિમ્પિકમાં બે મેડલ જીતવા એ લલિત ઉપાધ્યાયની કારકિર્દીની સૌથી મોટી સિદ્ધિ હતી. તેમણે 2014માં વર્લ્ડ કપમાં આંતરરાષ્ટ્રીય હોકીમાં પ્રવેશ કર્યો હતો. તેઓ ટોક્યો 2020 ઓલિમ્પિકમાં ઇતિહાસ રચનારી ભારતીય ટીમનો મહત્વપૂર્ણ ભાગ હતા. ત્યારબાદ ભારતે લાંબા સમય પછી ઓલિમ્પિકમાં મેડલ જીત્યો. ભારતે 2024માં પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ફરીથી બ્રોન્ઝ મેડલ જીત્યો અને લલિત પણ આ ટીમમાં હતા.

લલિતે પોસ્ટ કરી નિવૃત્તિની જાહેરાત કરી

રવિવારે બેલ્જિયમ સામે FIH પ્રો લીગ 2024-25 સીઝનના યુરોપિયન ચરણના ભારતના અંતિમ મેચ પછી તરત જ પ્રકાશિત એક પોસ્ટમાં લલિતે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, ‘આ યાત્રા એક નાના ગામથી શરૂ થઈ હતી, જ્યાં સંસાધનો ખૂબ ઓછા હતા પણ સપના અનંત હતા.’ લલિતે લખ્યું, ‘સ્ટિંગ ઓપરેશનનો સામનો કરવાથી લઈને એક વાર નહીં પણ બે વાર ઓલિમ્પિક પોડિયમ સુધી પહોંચવા સુધી, આ યાત્રા પડકારો, વિકાસ અને ક્યારેક ગર્વથી ભરેલી રહી છે.’ તેમણે કહ્યું, ’26 વર્ષ પછી મારા શહેરમાંથી પ્રથમ ઓલિમ્પિયન બનવું એ એવી વાત છે જેને હું હંમેશા સંપૂર્ણ આદર સાથે યાદ રાખીશ.’

દિલીપ ટિર્કીએ કર્યો હોકીમાં લલિતના યોગદાનનો ઉલ્લેખ

ભારતીય હોકીમાં લલિતના યોગદાનનો ઉલ્લેખ કરતા, હોકી ઇન્ડિયાના પ્રમુખ દિલીપ ટિર્કીએ કહ્યું, ‘વારાણસીની સાંકડી શેરીઓથી બે વાર ઓલિમ્પિક પોડિયમ પર ઉભા રહેવા સુધીની તેમની સફર પ્રેરણાથી ઓછી નથી.’

લલિતની કારકિર્દી

ઓલિમ્પિક ઉપરાંત, લલિતે 2016માં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી અને 2017માં એશિયા કપમાં ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, ભારતના મેડલમાં 2017 હોકી વર્લ્ડ લીગ ફાઇનલમાં બ્રોન્ઝ, 2018 ચેમ્પિયન્સ ટ્રોફીમાં સિલ્વર, 2018 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ અને 2018 એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગોલ્ડનો સમાવેશ થાય છે. તે FIH પ્રો લીગ 2021-22માં ત્રીજા સ્થાને રહેલી અને 2022 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ટીમનો પણ ભાગ હતો. લલિતને 2021માં અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button