DC vs MI match preview : દિલ્હી કેપિટલ્સ માટે આ સિઝનમાં સૌથી મોટી ચિંતાનો વિષય તેમનો ટોપ-ઓર્ડર રહ્યો છે. લખનઉ સુપર જાયન્ટ્સ સામેની પાછલી મેચમાં 142 રનના સાધારણ લક્ષ્યનો પીછો કરતી વખતે દિલ્હીની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. અનુભવી કેએલ રાહુલ પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો, જ્યારે નીતિશ રાણા અને પથુમ નિસન્કા પણ સસ્તામાં પેવેલિયન ભેગા થયા હતા.
એક તબક્કે ટીમે માત્ર 26 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, 22 વર્ષીય યુવા સમીર રિઝવીએ ‘ઇમ્પેક્ટ પ્લેયર’ તરીકે આવીને અણનમ ફિફ્ટી ફટકારી અને ટ્રિસ્ટન સ્ટબ્સ સાથે 119 રનની ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી. કેપ્ટન અક્ષર પટેલ માટે શનિવારની મેચમાં ઓપનિંગ જોડી નક્કી કરવી એ માથાનો દુખાવો બની શકે છે, જ્યાં તેમની પાસે પૃથ્વી શો કે અભિષેક પોરેલ જેવા વિકલ્પો છે.
14 વર્ષનો દુષ્કાળ ખતમ
બીજી તરફ, મુંબઈ ઇન્ડિયન્સે આ સિઝનમાં શાનદાર આગાજ કર્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે જીત મેળવીને ટીમે સિઝનની પ્રથમ મેચ હારવાનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પૂર્વ કેપ્ટન રોહિત શર્મા 78 રનની આક્રમક ઇનિંગ રમીને ફોર્મમાં પરત ફર્યો છે, જ્યારે રાયન રિકેલ્ટને પણ 81 રન બનાવીને પોતાની પસંદગીને સાર્થક કરી છે.
મુંબઈની બેટિંગ લાઇન-અપમાં તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવ જેવા વિસ્ફોટક બેટ્સમેનો છે, પરંતુ સૂર્યકુમારની ફિટનેસ હજુ પણ સવાલોના ઘેરામાં છે. સ્નાયુઓના ખેંચાણને કારણે પાછલી મેચમાં તેનો ઉપયોગ માત્ર ‘ઇમ્પેક્ટ પ્લેયર’ તરીકે થયો હતો, જે ટીમના સંતુલનને અસર કરી શકે છે.
બોલિંગમાં કાંટાની ટક્કર: બુમરાહ vs કુલદીપ
આ મેચમાં ખરી ટક્કર બંને ટીમોના બોલિંગ યુનિટ વચ્ચે જોવા મળશે. મુંબઈ પાસે જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને શાર્દુલ ઠાકુરની ત્રિપુટી છે, જે પાવરપ્લેમાં કોઈપણ ટીમની કમર તોડવા સક્ષમ છે. ખાસ કરીને બુમરાહનો સામનો કરવો દિલ્હીના નબળા ટોપ-ઓર્ડર માટે અગ્નિપરીક્ષા સમાન રહેશે. સામે પક્ષે દિલ્હી પાસે પણ સંતુલિત આક્રમણ છે.
લુંગી ન્ગીડી અને ટી. નટરાજને ડેથ ઓવર્સમાં પ્રભાવશાળી બોલિંગ કરી છે, જ્યારે સ્પિન વિભાગમાં કુલદીપ યાદવ અને અક્ષર પટેલ મધ્ય ઓવરોમાં રન ગતિ રોકવામાં માહિર છે. મિચેલ સ્ટાર્કની ગેરહાજરી હોવા છતાં મુકેશ કુમારની આર્થિક બોલિંગ દિલ્હી માટે પ્લસ પોઈન્ટ છે.
વ્યૂહાત્મક લડાઈ અને હોમ એડવાન્ટેજ
અરૂણ જેટલી સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે બેટ્સમેનોને મદદરૂપ થાય છે. ટોસ જીતનાર ટીમ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે. દિલ્હી તેમના હોમ ગ્રાઉન્ડ પર ફેન્સના સમર્થન સાથે મુંબઈની વિજયી લય તોડવા માંગશે, જ્યારે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેવાના ઈરાદા સાથે ઉતરશે. આ રોમાંચક મુકાબલામાં રણનીતિ અને વ્યક્તિગત પ્રદર્શન જીત-હારનું અંતર નક્કી કરશે. શું દિલ્હીનો ટોપ-ઓર્ડર બુમરાહ સામે ટકી શકશે? કે પછી હાર્દિકની સેના દિલ્હીના કિલ્લાને ફતેહ કરશે? તેનો જવાબ શનિવારે મળશે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11:
દિલ્હી કેપિટલ્સ: કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી ન્ગીડી, મુકેશ કુમાર, ટી. નટરાજન.
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, રાયન રિકેલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન ), નમન ધીર, શેરફેન રધરફર્ડ, મિચેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મયંક માર્કંડે, ટ્રેન્ટ બોલ્ટ.




Leave a Comment