ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે તોડ્યું મૌન, કેપ્ટનશીપ નકારવાનું કારણ જણાવ્યું

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આખરે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન ન બનવા અંગે પોતાનું મૌન તોડ્યું છે. આ દરમિયાન બુમરાહે કહ્યું કે તેણે વર્કલોડને કારણે ઇંગ્લેન્ડ પ્રવાસ પર કમાન સંભાળવાની ઓફર ઠુકરાવી દીધી હતી. ત્યારબાદ, તેના ઇનકાર બાદ, ભારતીય ક્રિકેટ બોર્ડે સ્ટાર બેટ્સમેન શુભમન ગિલને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા. બુમરાહે 20 જૂનથી ઇંગ્લેન્ડમાં શરૂ થનારી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી પહેલા ટીમની કેપ્ટનશીપ ન કરવાના નિર્ણય અંગે ખુલ્લેઆમ વાત કરી છે.
૩૧ વર્ષીય બુમરાહે સ્કાય સ્પોર્ટ્સને કહ્યું, “આઈપીએલ દરમિયાન રોહિત અને વિરાટ નિવૃત્તિ લેતા પહેલા, મેં પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં મારા વર્કલોડ વિશે બીસીસીઆઈ સાથે વાત કરી હતી. મેં મારી પીઠની સારવાર કરનારા લોકો સાથે વાત કરી હતી. મેં સર્જન સાથે પણ વાત કરી હતી જે હંમેશા મને કહેતા હતા કે તમારે વર્કલોડ વિશે સમજદાર રહેવું જોઈએ. તેથી મેં તેમની સાથે વાત કરી અને પછી અમે આ નિષ્કર્ષ પર આવ્યા કે મારે થોડું સાવધ રહેવું જોઈએ. તેથી મેં તેમની સાથે વાત કરી અને પછી અમે આ નિષ્કર્ષ પર આવ્યા કે મારે થોડું સાવધ રહેવું પડશે. તેથી મેં બીસીસીઆઈને કહ્યું કે હું નેતૃત્વની ભૂમિકામાં આવવા માંગતો નથી કારણ કે હું પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં બધી મેચ રમી શકીશ નહીં.”
બુમરાહે આગળ કહ્યું કે, હા, બીસીસીઆઈ મને કેપ્ટનશીપ માટે જોઈ રહ્યું હતું. પરંતુ પછી મારે કહેવું પડ્યું કે ના, આ ટીમ માટે વાજબી નથી. પાંચ ટેસ્ટ શ્રેણીમાં, કોઈ બીજું ત્રણ મેચનું કેપ્ટનશીપ કરે છે અને કોઈ બીજું બે મેચમાં કમાન સંભાળે છે, આ ટીમ માટે વાજબી નથી. હું હંમેશા ટીમને પ્રથમ રાખું છું. તમને જણાવી દઈએ કે બુમરાહ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પાંચમી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયો હતો. પીઠની ઈજાને કારણે તે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી શક્યો ન હતો.