LSG vs MI: લખનૌ સુપર જાયન્ટ્સે એકાના પર વિજય મેળવ્યો, મુંબઈ ઈન્ડિયન્સને 12 રનથી હરાવ્યું

IPL 2025 ની 16મી મેચમાં, લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 12 રને હરાવ્યું. એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ છેલ્લી ઓવર સુધી રોમાંચક રહી. જ્યાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. જવાબમાં, મુંબઈ ઈન્ડિયન્સ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને માત્ર 191 રન જ બનાવી શક્યું. મુંબઈને જીત માટે છેલ્લી ઓવરમાં 22 રનની જરૂર હતી. હાર્દિકે પહેલા બોલ પર સિક્સર ફટકારી. તેણે બીજા બોલ પર બે રન લીધા પરંતુ ત્રીજા અને ચોથા બોલ પર કોઈ રન બનાવી શક્યો નહીં અને પાંચમા બોલ પર ફક્ત એક જ રન બનાવી શક્યો. જેના કારણે આ મેચ તેના હાથમાંથી સરકી ગઈ.
૨૦૪ રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી મુંબઈ ઈન્ડિયન્સને બીજી ઓવરમાં જ શરૂઆતનો ફટકો પડ્યો. વિલ જેક્સ 7 બોલમાં ફક્ત 5 રન બનાવી શક્યા. રાયન રિકેલ્ટન પણ 5 બોલમાં માત્ર 10 રન બનાવી શક્યો અને આઉટ થયો. નમન અને સૂર્યકુમાર વચ્ચે ત્રીજી વિકેટ માટે 35 બોલમાં 69 રનની ભાગીદારી થઈ. નમન ધીર 24 બોલમાં 46 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા જ્યારે સૂર્યકુમાર યાદવ 43 બોલમાં 67 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. તિલક વર્મા 23 બોલમાં 25 રન બનાવ્યા બાદ હર્ટ થઈને રિટાયર્ડ થયા. હાર્દિક પંડ્યા ૧૬ બોલમાં ૨૮ રન બનાવીને અણનમ રહ્યો. સેન્ટનર બે રન બનાવીને અણનમ રહ્યો. જ્યારે શાર્દુલ, આકાશદીપ, અવેશ ખાન અને દિગ્વેશે 1-1 વિકેટ લીધી હતી.
પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા. લખનૌની શરૂઆત શાનદાર રહી. મિશેલ માર્શે સૌથી વધુ 60 રનની ઇનિંગ રમી. માર્શને એડેન માર્કરાનનો સારો સાથ મળ્યો. બંને વચ્ચે પહેલી વિકેટ માટે 76 રનની ભાગીદારી થઈ. મિશેલ માર્શ 31 બોલમાં 60 રન બનાવીને આઉટ થયો હતો. તેણે ઇનિંગમાં બે છગ્ગા અને નવ ચોગ્ગા પણ ફટકાર્યા. નિકોલસ પૂરન આજે ફક્ત 12 રન બનાવી શક્યો. જ્યારે કેપ્ટન ઋષભ પંત ફરી એકવાર ફ્લોપ સાબિત થયો, તે 5 બોલમાં ફક્ત 2 રન બનાવી શક્યો. આયુષ બદોની ૧૯ બોલમાં ૩૦ રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા અને એડેન માર્કરામ ૩૮ બોલમાં ૫૩ રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. અબ્દુલ સમદ ચાર રન બનાવીને આઉટ થયા હતા અને ડેવિડ મિલર ૧૪ બોલમાં ૨૭ રન બનાવીને આઉટ થયા હતા. આકાશદીપ ખાતું ખોલાવી શક્યો નહીં. મુંબઈ તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યાએ 5 વિકેટ ઝડપી હતી.