મહેસાણા દૂધ સાગર ડેરીમાં મચ્યું ઘમાસાણ, ચેરમેને અને વાઈસ ચેરમેનને સરાજાહેર ઝીંક્યો લાફો

મહેસાણા દૂધ સાગર ડેરીમાં શુક્રવારે, 27મી જૂને થયેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક દરમિયાન તંગદિલી સર્જાઈ. વાઇસ ચેરમેન યોગેશ પટેલે ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચારના મુદ્દે સવાલ ઉઠાવતા ચેરમેન અશોક ચૌધરી ગુસ્સે થયા હતા. વાતચીત વાદવિવાદમાં ફેરવાઈ અને ચેરમેન દ્વારા યોગેશ પટેલને સરાજાહેર લાફો ઝીંકી દેવામાં આવ્યો, જેના કારણે બેઠકમાં ઘમાસાણ મચી ગયું.
કથિત કૌભાંડનો ખુલાસો
આ વિવાદ પછી વાઇસ ચેરમેન યોગેશ પટેલે શનિવારે, 28મી જૂને ચરાડા સ્થિત અમૂલના ગોડાઉનમાં પહોંચીને એક મોટો ખુલાસો કર્યો હતો. તેમના દાવા મુજબ, ત્યાં એક્સપાયર થયેલા અમૂલ મિલ્ક પાવડરનો જથ્થો ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો, જ્યારે નવી સપ્લાય મંગાવવામાં આવી રહી છે. યોગેશ પટેલે આરોપ મૂક્યો કે, “જૂનો માલ પડ્યો રહે છે અને નવો મંગાવવામાં આવે છે, જેના લીધે ડેરીને કરોડોનું નુકસાન થયું છે. આ માટે ચેરમેન અશોક ચૌધરી જવાબદાર છે.”
રાજકારણ ગરમાયું, પોલીસ સ્ટેશને ફરીયા
ચેરમેન અને વાઇસ ચેરમેન બંને એક જ પાર્ટીના ટેકેદાર છે. પણ હવે આ ઘટનાને લઈ બંને વચ્ચે રાજકીય મતભેદો વધુ તીવ્ર બન્યા છે. બેઠક દરમિયાન થયેલી મારામારી અને ભ્રષ્ટાચારના આરોપ બાદ હવે સમગ્ર મામલો મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચી ગયો છે. યોગેશ પટેલે ચેરમેન અશોક ચૌધરી અને અન્ય ડિરેક્ટર સામે પોલીસમાં લેખિત અરજી આપી છે. હવે જોવું રહ્યું કે ડેરી સંસ્થાની અંદરની આ ઘર્ષણભરી રાજકીય લડાઈ કયા અંતે પહોંચે છે અને શું વાસ્તવમાં કથિત કૌભાંડની તપાસ થાય છે