હવામાન વિભાગની આગાહી, આગામી 24 કલાક તાપમાનમાં ફેરફારની સંભાવના…

ગુજરાતમાં આગ વરસાવતી ગરમીનું જોર વધી રહ્યું છે. શુક્રવારે 7 શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. જ્યારે 44.5 ડિગ્રી સાથે ભુજમાં સિઝનનો સૌથી ગરમ દિવસ બની રહ્યો હતો.
અમદાવાદમાં વધશે ગરમીનો પ્રકોપ
અમદાવાદમાં શુક્રવારે 41.3 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન નિષ્ણાતોને મતે આગામી રવિવારથી બુધવાર એમ ચાર દિવસ તાપમાન 44 ડિગ્રી થઈ શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘આગામી 24 કલાક તાપમાનમાં ફેરફારની સંભાવના નહિવત્ છે. ત્યારબાદ ચાર દિવસ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.’
6થી 8 એપ્રિલના રાજકોટ, કચ્છમાં ઓરેન્જ એલર્ટ રહેશે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબીમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ પવનના કારણે અકળામણ અનુભવાશે. જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3થી 7 ડિગ્રી ઊંચું છે.