ગોંડલના ગુંદાળા ગામમાં સરપંચ પર 3 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો

ગોંડલના ગુંદાળા ગામે ગ્રામ પંચાયતના પ્લોટની ફાળવણી બાબતે થયેલ માથાકુટમાં વચ્ચે પડેલા સરપંચ ઉપર ગુંદાળા ગામના ત્રણ શખ્સોએ હુમલો કરતા સમગ્ર ગામમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. આ ઘટનાને લઈને ગુંદાળા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મામલે ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શખ્સોની ધરપકડ કરી છે.
સરપંચ પર હુમલો કરવામાં આવ્યો
મળતી માહિતી પ્રમાણે, ગુંદાળા ગામે કન્યાશાળા પાસે રહેતા સરપંચ ગોરધન ચોથા ભાઈ ડાભીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગુંદાળા ગામના હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા જાડેજા અને તેની સાથેના બે અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ સરપંચ ગઈકાલે સાંજે ગ્રામ પંચાયત ઓફિસ પાસેથી ઘરે જતાં હતાં ત્યારે કાળા રંગની ઝાયલોમાં આવેલા હિતેન્દ્રસિંહ અને તેની સાથેના બે શખ્સોએ હુમલો કર્યો હતો.
હોબાળો મચી જતા લોકો ભેગા થઈ જતાં હિતેન્દ્રસિંહ અને તેના સાથેના બે શખ્સો ભાગી ગયા હતાં. હિતેન્દ્રસિંહે હુમલો કર્યો ત્યારે ‘તુ ગમે ત્યાં આડો આવે છે, ત્રણ દિવસ પહેલા 100 વારીયા પ્લોટમાં પણ આડો આવ્યો હતો’ તેમ કહીને ઢોર માર માર્યો હતો.
આ હુમલા પાછળનું કારણ એવું છે કે, ગ્રામ પંચાયત દ્વારા 100 વારના પ્લોટની ફાળવણી થઈ હોય જેમાં પ્લોટ નંબર 55 નાજા ભરવાડ તથા નાથા સાકરિયા તેમ બન્નેના નામે સનથ હોય જે બાબતે વિવાદ ચાલતો હતો. આ પ્લોટ નાજા ભરવાડને આપવા હિતેન્દ્રસિંહે અગાઉ સરપંચને કહ્યું હતું. પોલીસ સ્ટેશનમાં થયેલ અરજી અનુસંધાને સરપંચે નાથા સાકરિયાની તરફેણમાં રજૂઆત કરી હોય તેનો ખાર રાખીને તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.