અમદાવાદમાં 148મી રથયાત્રાની ભવ્ય તૈયારી, 27 જૂને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે મંગળા આરતી

આગામી 27 જૂને ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રા અમદાવાદમાં પરંપરાગત ઢબે આયોજિત થવાની છે. શહેરભરમાં ભક્તિમય વાતાવરણ છવાયું છે અને તૈયારીઓ હવે અંતિમ તબક્કે પહોંચી છે. રથયાત્રા પૂર્વે દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા સવારે 4 વાગે મંગળા આરતી કરવામાં આવશે. સવારે 5 વાગ્યે ભગવાન જગન્નાથજીને રથમાં બિરાજમાન કરાશે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સવારે 7 વાગ્યે પારંપરિક વિધીવિધાન બાદ યાત્રાનો પ્રારંભ થશે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, આ યાત્રા શ્રદ્ધા અને ભક્તિનો ઉત્સવ છે અને તેને મનોરંજનથી દૂર રાખવામાં આવી રહી છે.
વાઘા વિશેષ કાપડમાંથી બનાવાયા છે
તાજેતરમાં અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના બાદ યાત્રા યોજાશે કે નહીં તે અંગે શંકા ઉભી થઈ હતી, જોકે પોલીસ કમિશનરની મંજૂરી બાદ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટતા કરી છે કે યાત્રા અનુસૂચિત સમયસર અને પરંપરાગત રીતે યોજાશે. ભક્તો માટે રથયાત્રાના લાઈવ દર્શન માટે www.jagannathjiahd.org વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી લોકો ઘેરબેઠાં પણ ભગવાનના દર્શન કરી શકે. ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજી માટે તૈયાર કરાયેલા વાઘાનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. આ વાઘા બનારસી સિલ્ક, વેલ્વેટ-ગજી સિલ્ક અને વૃંદાવનથી લાવવામાં આવેલા વિશેષ કાપડમાંથી બનાવાયા છે. કેરળના કુશળ કારીગરોએ વસ્ત્રોની તૈયારીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
શણગાર સાથે નગરચર્યાએ નીકળશે
અષાઢી બીજના દિવસે ભગવાન ઝરી અને કસબના મોરની ડિઝાઇનવાળા વાઘા, પિતામ્બર અને ઝરકસી ગોટાપત્તીવાળા શણગાર સાથે નગરચર્યાએ નીકળશે. જ્યારે યાત્રાના બીજા દિવસે, એટલે કે અષાઢ સુદ ત્રીજના દિવસે ભગવાનને જાંબલી રંગના હલકાં વજનના સિલ્કના વાઘા પહેરાવવામાં આવશે. આ વર્ષે ભગવાનના વાઘા જાણીતા ઇન્દ્રવદન ખલાસ દ્વારા તૈયાર કરાવવામાં આવ્યા છે. 10 વર્ષ બાદ તેમને ફરીથી આ યજમાની પ્રાપ્ત થઈ છે, જે ભક્તો માટે પણ આનંદ અને ગૌરવની વાત બની છે.