LSG vs PBKS: પંજાબ કિંગ્સે IPL 2025 ની બીજી મેચ પણ જીતી, લખનૌને 8 વિકેટથી હરાવ્યું

IPL 2025 ની 13મી મેચમાં, પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર 8 વિકેટથી હરાવ્યું. આ વર્તમાન સિઝનમાં પંજાબનો સતત બીજો વિજય છે જ્યારે લખનૌને ટુર્નામેન્ટમાં બીજી હારનો સામનો કરવો પડ્યો છે. એકાના સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા ૧૭૧ રન બનાવ્યા હતા. જવાબમાં, પંજાબે 17મી ઓવરમાં 8 વિકેટ બાકી રહેતા મેચ જીતી લીધી.
એકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પંજાબ કિંગ્સને ૧૭૨ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. પંજાબ ટીમનો નવો સ્ટાર પ્રિયાંશ આર્ય આ વખતે પ્રદર્શન કરી શક્યો નહીં. પરંતુ, તેમના સાથી પ્રભસિમ્નારના તોફાનથી લખનૌના બોલરો ઉડી ગયા. પ્રભસિમરન સિંહે માત્ર 23 બોલમાં ફિફ્ટી ફટકારી હતી અને મેચમાં તેણે 34 બોલમાં 69 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 9 ચોગ્ગા અને 3 છગ્ગા પણ ફટકાર્યા.
તે જ સમયે, પ્રભસિમરન સિંહના આઉટ થયા પછી, કેપ્ટન શ્રેયસ ઐયરે ત્રીજી ઓવરથી પંજાબ કિંગ્સની ઇનિંગ્સને આગળ ધપાવી. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં કેપ્ટન શ્રેયસે 97 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ વખતે લખનૌ સામે તેણે 30 બોલમાં અણનમ 52 રન બનાવ્યા. ઐયરે માત્ર 2 મેચમાં 149 રન બનાવ્યા છે. અને તેણે બંને મેચમાં તોફાની અડધી સદી ફટકારી છે.
પંજાબની જીતમાં નેહલ વાઢેરાએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. વાઢેરા 25 બોલમાં 43 રન બનાવી અણનમ રહ્યો. તેણે કેપ્ટન શ્રેયસ ઐયર સાથે મળીને માત્ર 37 બોલમાં 67 રન બનાવ્યા. લખનૌની વાત કરીએ તો, ફક્ત દિગ્વેશ રાઠી જ 2 વિકેટ લઈ શક્યા જ્યારે બાકીના બધા બોલરો ફ્લોપ સાબિત થયા. આ જીત સાથે, પંજાબ કિંગ્સ 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે.