RCB એ 10 વર્ષ પછી વાનખેડે ખાતે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું, MI નો સતત ચોથો પરાજય

IPL 2025 ની 20મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને RCB વચ્ચે રમાઈ હતી. જેમાં RCB એ મુંબઈ ઈન્ડિયન્સને 12 રનથી હરાવ્યું. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 10 વર્ષ પછી વાનખેડે ખાતે મુંબઈને હરાવ્યું છે. આ સાથે, આ સિઝનમાં મુંબઈની સતત ચોથી હાર છે. જ્યારે RCB ને 3 જીત મળી છે.
પ્રથમ બેટિંગ કરતા, RCB એ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 221 રન બનાવ્યા. બેંગ્લોર તરફથી સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા. તેણે 42 બોલમાં 8 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 67 રન બનાવ્યા. મુંબઈ તરફથી ટ્રેન્ટ બોલ્ટ અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ બે-બે વિકેટ લીધી. વિગ્નેશ પુથુરે એક વિકેટ લીધી હતી. દરમિયાન, જાન્યુઆરી પછી સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી કરનાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહને કોઈ વિકેટ મળી ન હતી.
આરસીબીની શરૂઆત સારી રહી ન હતી. બોલ્ટે પહેલી જ ઓવરમાં ફિલ સોલ્ટને ફક્ત 4 રનમાં પેવેલિયન મોકલી દીધો. ત્યારબાદ કોહલીએ દેવદત્ત પડિકલ (૨૨ બોલમાં ૩૭) સાથે બીજી વિકેટ માટે ૯૧ રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી. કોહલીએ કેપ્ટન રજત પાટીદાર સાથે ત્રીજી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી. હાર્દિકે 15મી ઓવરમાં કોહલી અને લિયામ લિવિંગસ્ટોન (0) ને આઉટ કર્યા. ત્યારબાદ પાટીદારે જીતેશ શર્મા સાથે મળીને બાજી સંભાળી અને બંનેએ પાંચમી વિકેટ માટે 69 રન ઉમેર્યા અને RCBનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો. તેમણે બે ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા. બોલ્ટે તેના ચાર ઓવરના સ્પેલમાં 57 રન આપ્યા. આ પહેલી વાર હતું જ્યારે તેણે IPL મેચમાં પચાસથી વધુ રન આપ્યા.
તે જ સમયે, લક્ષ્યનો પીછો કરવા આવેલી મુંબઈ ઈન્ડિયન્સ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 209 રન બનાવી શકી અને IPL 2025 ની પોતાની ચોથી મેચ હારી ગઈ. MI માટે, તિલક વર્માએ 29 બોલમાં 56 રન અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ 15 બોલમાં 42 રન બનાવ્યા. સૂર્યકુમાર યાદવે 26 બોલમાં 28 રન બનાવ્યા હતા. વિલ જેક્સે 18 બોલમાં 22 રન બનાવ્યા. રોહિત શર્માએ 9 બોલમાં 17 રન બનાવ્યા. રાયન રિકેલ્ટને 10 બોલમાં 17 રન બનાવ્યા. નમન ધીરે 6 બોલમાં 11 રન બનાવ્યા. કૃણાલ પંડ્યાએ 45 રન આપીને 4 વિકેટ લીધી. જોશ હેઝલવુડ અને યશ દયાલે 2-2 વિકેટ લીધી. જ્યારે ભુવનેશ્વર કુમારને 1 વિકેટ મળી.