GUJARAT

ગુજરાતના 11 જિલ્લામાં રેડ એલર્ટ, સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડા અને દેવભૂમિ દ્વારકામાં વરસાદ ખાબક્યો

સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, રાજ્યમાં આજે (28 જૂન) સવારે 6 થી 4 વાગ્યા સુધીમાં 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

જેમાં સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડા અને દેવભૂમિ દ્વારકામાં 2.40-2.40 ઈંચ વરસાદ ખાબક્યો છે. દ્વારકામાં ધોધમાર વરસાદને પગલે દ્વારકા જગત મંદિર પર અડધા સ્તંભે ધ્વજા ચડાવાઈ છે. જ્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાકની આગાહી જાહેર કરી છે. જેમાં 11 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

11 જિલ્લામાં રેડ એલર્ટ 

હવામાન વિભાગ મુજબ, આજે (28 જૂન) સાંજે 4 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે 7 વાગ્યા સુધીમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, મોરબી, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, દેવભૂમિ દ્વારકા, કચ્છ, ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

દ્વારકા જગત મંદિર પર અડધા સ્તંભે ધ્વજા ચડાવાઈ

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે આજે દેવભૂમિ દ્વારકામાં 2.40 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે દ્વારકાના દરિયામાં 20 ફૂટ ઊંચા મોજાં ઊછળ્યા અને ભારે કરંટ જોવા મળ્યો છે. જ્યારે દ્વારકા જગત મંદિર પર અડધા સ્તંભે ધ્વજા ચડાવવામાં આવી છે.

આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજે શનિવારે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદનું જોર વર્તાશે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button