ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં’ નું ટ્રેલર થયું રિલીઝ

વિક્રાંત મેસી અને શનાયા કપૂરની લવ સ્ટોરી ‘આંખો કી ગુસ્તાખિયાં’નો ટ્રેલર 1 જુલાઈએ મુંબઈમાં લોન્ચ થયો હતો. આ ફિલ્મ પ્રેમ અને સંગીતથી ભરેલી એક તાજી વાર્તા બતાવે છે. ફિલ્મમાં વિક્રાંત અને બોલીવૂડમાં ડેબ્યુ કરતી શનાયા કપૂર પ્રેમની પહેલી મુલાકાતની ખુશી, વિશ્વાસઘાત, દિલ તૂટવાનું દુઃખ અને આખરે ફરીથી એક થવાનું સફર બતાવે છે. ફિલ્મનું નિર્માણ માનસી બાગલા અને વરુણ બાગલાએ કર્યું છે. વાર્તા પણ માનસી બાગલાએ લખી છે અને ફિલ્મના ડિરેક્ટર છે સંતોષ સિંહ.
ટ્રેલરમાં દર્શાવાયું છે કે ફિલ્મ માત્ર પ્રેમની મીઠાસ નહીં પણ તેનો દુઃખદ પાસો પણ ઊંડાણથી બતાવે છે. વિક્રાંત મેસી એક નવી અંદાજની રોમેન્ટિક ભૂમિકા કરતો જોવા મળે છે. શનાયા કપૂરે પોતાની પહેલી ફિલ્મમાં જ ખુબ જ સારો અભિનય કર્યો છે અને દરેક દ્રશ્યમાં ભાવના દર્શાવી છે.
ફિલ્મનું સંગીત વિશાલ મિશ્રાએ તૈયાર કર્યું છે, જે ફિલ્મની વાર્તાને વધુ ખાસ બનાવે છે. લાંબા સમયથી દર્શકો સાચા પ્રેમની ભાવુક વાર્તાની રાહ જોઈ રહ્યા હતા. ટ્રેલર જોઈને એવું લાગે છે કે ફિલ્મ જૂના બોલીવૂડના રોમેન્ટિક યુગની યાદો તાજી કરશે.
ફિલ્મના ટ્રેલર લોન્ચ સમયે વિક્રાંત, શનાયા, ડિરેક્ટર સંતોષ સિંહ, ઉમેશ બન્સલ તથા શનાયાના માતાપિતા સંજય કપૂર અને મહીપ કપૂર પણ હાજર હતા. ‘આંખો કી ગુસ્તાખિયાં’ ઝી સ્ટુડિયો અને મિની ફિલ્મ્સ દ્વારા રજૂ કરવામાં આવી રહી છે અને તેને માનસી બાગલા અને વરુણ બાગલા દ્વારા નિર્મિત કરવામાં આવી છે. ફિલ્મ 11 જુલાઈ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.