Rinku singh IPL 2026 : રિંકુ સિંહ હવે અનુભવી કેપ્ટન અજિંક્ય રહાણે સાથે મળીને ટીમની કમાન સંભાળશે. આ પ્રસંગે મુખ્ય કોચ અભિષેક નાયરે જણાવ્યું હતું કે, “રિંકુ છેલ્લા કેટલાક વર્ષોમાં માત્ર એક બેટ્સમેન તરીકે જ નહીં, પણ એક કુશળ લીડર તરીકે પણ વિકસ્યો છે.
ખાસ કરીને તાજેતરમાં T20 વર્લ્ડ કપમાં તેના શાનદાર પ્રદર્શન અને જીત બાદ, તેને વધુ જવાબદારી સોંપવાનો આ સૌથી યોગ્ય સમય છે.” રિંકુની આ સફર ખરેખર પ્રેરણાદાયી છે, 2018માં માત્ર ₹80 લાખમાં ખરીદાયેલો આ ખેલાડી આજે ₹13 કરોડની રિટેન્શન વેલ્યુ સાથે ટીમનો આધારસ્તંભ બની ગયો છે.
KKRના કાર્યક્રમ દરમિયાન જ્યારે રિંકુ સિંહનું નામ સ્ટેજ પર જાહેર કરવામાં આવ્યું, ત્યારે આખું વાતાવરણ “કેપ્ટન કોરે દાઓ રિંકુ!” (રિંકુને કેપ્ટન બનાવો) ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. કેપ્ટન અજિંક્ય રહાણેએ પણ રિંકુની પ્રશંસા કરતા કહ્યું કે, “KKR પરિવારમાં શાહરૂખ ખાન પછી જો કોઈનું નામ સૌથી વધુ આદર સાથે લેવામાં આવતું હોય, તો તે રિંકુ સિંહ છે.” રિંકુએ પોતાની આ નવી ભૂમિકા બદલ મેનેજમેન્ટનો આભાર માન્યો હતો અને આ સીઝનમાં સારો દેખાવ કરી ટ્રોફી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
નવી સીઝન પહેલા KKRને ઈજાઓના કારણે અમુક મોટા ઝટકા પણ લાગ્યા છે. ટીમના મહત્વના બોલરો હર્ષિત રાણા, મથિશા પથિરાણા અને આકાશ દીપ હાલમાં ઈજાગ્રસ્ત છે. આમાં સૌથી ચિંતાજનક સમાચાર એ છે કે આકાશ દીપ આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને સૌરભ દુબેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટીમ પોતાની પ્રથમ મેચ 29 માર્ચે મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે, જે એક હાઈ-વોલ્ટેજ મુકાબલો બની રહેશે.
આ વખતે KKRએ પોતાની બેટિંગ લાઇન-અપમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા છે. વર્ષો સુધી ટીમ સાથે જોડાયેલા આન્દ્રે રસેલ અને વેંકટેશ અય્યર જેવા દિગ્ગજોને રિલીઝ કરીને સૌને ચોંકાવી દીધા હતા. જોકે, આન્દ્રે રસેલ ભલે ખેલાડી તરીકે મેદાનમાં ન હોય, પણ તે હવે “પાવર કોચ” તરીકે ટીમ સાથે જોડાયેલા રહેશે. ફ્રેન્ચાઇઝીએ રસેલના સન્માનમાં તેની આઇકોનિક જર્સી નંબર 12 ને હંમેશા માટે નિવૃત્ત કરી દીધી છે. રસેલે ભાવુક થતા કહ્યું કે, “2014 અને 2024 ની જીત મારા હૃદયની ખૂબ નજીક છે અને હવે હું બહાર રહીને ટીમને ચેમ્પિયન બનાવવા મહેનત કરીશ.”


Leave a Comment