Norway Chess: ડી ગુકેશ ચીનના વેઈ યીને હરાવ્યો, મેગ્નસ કાર્લસન ખિતાબના દાવેદાર

ગત વિશ્વ ચેમ્પિયન ડી ગુકેશે નોર્વે ચેસ ટુર્નામેન્ટના નવમા રાઉન્ડમાં ચીનના વેઈ યુને હરાવીને ત્રણ પોઈન્ટ મેળવ્યા અને નોર્વેજીયન સ્ટાર મેગ્નસ કાર્લસન સાથે ટાઇટલ માટે ટોચના દાવેદાર બન્યા.
માત્ર એક રાઉન્ડ બાકી હોવાથી, ગુકેશ ૧૪.૫ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે પાંચ વખતનો વિશ્વ ચેમ્પિયન કાર્લસન છ ખેલાડીઓની ડબલ રાઉન્ડ-રોબિન ટુર્નામેન્ટમાં તેનાથી માત્ર અડધા પોઈન્ટ આગળ છે. બીજી તરફ, કાર્લસન હારની સ્થિતિમાંથી પાછો ફર્યો અને અમેરિકન ગ્રાન્ડમાસ્ટર ફેબિયાનો કારુઆનાને હરાવ્યો અને સંપૂર્ણ પોઈન્ટ મેળવ્યા.
અંતિમ રાઉન્ડમાં, ગુકેશનો મુકાબલો કારુઆના સામે થશે, જ્યારે કાર્લસનનો મુકાબલો બીજા ભારતીય ખેલાડી અર્જુન એરિગાઇસી સામે થશે. બંને ટાઇટલ અને 69,000 યુએસ ડોલરની ઇનામી રકમ જીતીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા માંગશે.
અન્ય એક અમેરિકન ખેલાડી હિકારુ નાકામુરાના ૧૩ પોઈન્ટ છે અને તેમની પાસે પણ ટાઇટલ જીતવાની તક છે. નાકામુરાએ આર્માગેડન ટાઈ બ્રેકમાં એરિગાઈસીને હરાવ્યો હતો. ભારતીય ખેલાડીના ૧૧.૫ પોઈન્ટ છે.