વિશ્વના સૌથી મોટા પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ LinkedIn પર યુઝર્સની પ્રાઇવસીને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. તાજેતરમાં બહાર આવેલા ‘બ્રાઉઝરગેટ’ રિપોર્ટથી ટેક જગતમાં ભારે ચકચાર મચી છે.
આ રિપોર્ટ, જે Fairlinked EV દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને Bleeping Computer દ્વારા પ્રકાશિત થયો છે, તેમાં દાવો કરવામાં આવ્યો છે કે LinkedIn યુઝર્સના બ્રાઉઝરમાં છુપાયેલી JavaScript સ્ક્રિપ્ટ દાખલ કરીને તેમની માહિતી ટ્રેક કરે છે.
રિપોર્ટ અનુસાર, દરેક વખતે LinkedInનું પેજ લોડ થાય છે ત્યારે એક ખાસ સ્ક્રિપ્ટ યુઝરના બ્રાઉઝરમાં ચાલી પડે છે, જે લગભગ 6,236 જેટલા Chrome એક્સટેન્શનને સ્કેન કરી શકે છે. આ પ્રક્રિયા દ્વારા પ્લેટફોર્મને ખબર પડે છે કે યુઝર કયા ટૂલ્સનો ઉપયોગ કરે છે.
માત્ર બ્રાઉઝર એક્સટેન્શન જ નહીં, પરંતુ ડિવાઇસની અંદરની ટેક્નિકલ માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી હોવાનો દાવો છે. જેમાં CPU કોર, RAM, બેટરી સ્ટેટસ, ટાઇમ ઝોન, લેન્ગ્વેજ સેટિંગ્સ અને સ્ક્રીન સાઇઝ જેવી વિગતોનો સમાવેશ થાય છે.
સાયબર નિષ્ણાતો અનુસાર, આ માહિતીનો ઉપયોગ Digital Fingerprinting માટે થઈ શકે છે. આ ટેક્નિક દ્વારા યુઝરની એક અનોખી ડિજિટલ ઓળખ બનાવી શકાય છે, જેનાથી તેની ઓનલાઇન પ્રવૃત્તિઓ પર ચોક્કસ નજર રાખવી સરળ બને છે.
રિપોર્ટમાં વધુ એક ચોંકાવનારો દાવો એ છે કે આ ડેટા Human Security જેવી સાયબર સિક્યુરિટી કંપની સાથે શેર કરવામાં આવી રહ્યો હોઈ શકે છે. જોકે, આ બાબતે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આ મુદ્દો યુઝર્સ માટે ચિંતાજનક બની રહ્યો છે, કારણ કે LinkedIn જેવા વિશ્વસનીય પ્લેટફોર્મ તરફથી આવી પ્રવૃત્તિ પારદર્શિતા પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે યુઝર્સે તેમના બ્રાઉઝરમાં પ્રાઇવસી સેટિંગ્સ મજબૂત રાખવી જોઈએ અને બિનજરૂરી એક્સટેન્શનને દૂર કરવું જોઈએ.
હાલમાં LinkedIn તરફથી આ સમગ્ર મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ કરોડો યુઝર્સના ડેટાની સુરક્ષા હવે ચર્ચાનો વિષય બની ગઈ છે.




Leave a Comment