NATIONAL

ઉત્તરાખંડના બદ્રીનાથ હાઇવે પર મુસાફરોથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં પડી ગયો, 2 લોકોના મોત, 10 ગુમ

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર ઘોલથીર ખાતે એક ભયાનક માર્ગ અકસ્માતની માહિતી સામે આવી છે. મળતી માહિતી મુજબ, મુસાફરોથી ભરેલો એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં પડી ગયો હતો, જેના કારણે મોટો અકસ્માત સર્જાયો હતો. અગસ્ત્યમુનિ, રતુડા અને ગોચર પોલીસ સ્ટેશનના પોલીસ દળ અને SDRF ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. પ્રારંભિક માહિતી અનુસાર, વાહન રુદ્રપ્રયાગથી ચઢાવ પર જઈ રહ્યું હતું, જે નિયંત્રણ બહાર જઈને નદીમાં પડી ગયું.

રાહત અને બચાવ કામગીરી શરૂ

બચાવ ટીમોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી અને કેટલાક ઘાયલોને સુરક્ષિત રીતે બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. એક મૃતદેહ પણ મળી આવ્યો છે, જ્યારે અન્ય વ્યક્તિઓ માટે શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.

પોલીસની જનતાને અપીલ

ઘટના સ્થળે SDRF, પોલીસ દળ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો રાહત કાર્યમાં રોકાયેલી છે. સમગ્ર કામગીરી વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ સામાન્ય જનતાને ધીરજ રાખવા અને કોઈપણ પ્રકારની ભ્રામક કે અપ્રમાણિત માહિતી પર વિશ્વાસ ન કરવા અપીલ કરી રહી છે.

બસમાં 18 મુસાફરો હતા સવાર

મળેલી માહિતી મુજબ, પોલીસ મુખ્યાલયના પ્રવક્તા આઈજી નીલેશ આનંદ ભરણેએ જણાવ્યું હતું કે, “રુદ્રપ્રયાગ જિલ્લાના ઘોલતીર વિસ્તારમાં એક ટેમ્પો ટ્રાવેલર બેકાબૂ થઈને અલકનંદા નદીમાં પડી ગયો. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, બસમાં ડ્રાઈવર સહિત કુલ 19 લોકો હતા. વાહનમાં કુલ 18 મુસાફરો હતા.” અકસ્માતમાં બે મુસાફરોના મોત થયા છે અને સાત ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તે જ સમયે, 10 લોકો ગુમ છે.

18 સીટર ટેમ્પો નદીમાં ખબક્યો

ગઢવાલ ડિવિઝનલ કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે, “રુદ્રપ્રયાગ જિલ્લાના ઘોલાતીર ખાતે 18 સીટર ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં પડી જતાં એક વ્યક્તિનું મોત થયું છે અને સાત લોકો ઘાયલ થયા છે. બચાવ કામગીરી માટે SDRF, પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે હાજર છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button