સીરિયામાં ચર્ચમાં પ્રાર્થના કરતા લોકો પર આતંકી હુમલો, 15 લોકોના મોત

સીરિયામાં એક ગંભીર આતંકી ઘટના સામે આવી છે, જેમાં દમાસ્કસના ડ્વેલા વિસ્તારમાં આવેલું માર એલિસ ચર્ચ આત્મઘાતી હુમલાનો નિશાન બન્યું છે. રવિવારના દિવસે ચર્ચમાં પ્રાર્થના ચાલી રહી હતી ત્યારે એક આતંકીએ અંદર પ્રવેશ કરીને પહેલા અંધાધુંધ ગોળીબાર કર્યો અને ત્યારબાદ પોતાને બોમ્બથી ઉડાવી દીધો.
15 લોકોએ જીવ ગુમાવ્યો
આ પ્રચંડ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 15 લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે, જેના કારણે મૃત્યુઆંકમાં વધારો થવાની આશંકા છે. સીરિયાના ગૃહ મંત્રાલયે ઘટના અંગે પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે આ હુમલામાં IS (ઇસ્લામિક સ્ટેટ)નો હાથ હોવાનું અનુમાન છે. મંત્રાલય અનુસાર હુમલાખોરે ચર્ચમાં પ્રવેશ કર્યા બાદ ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ આત્મઘાતી વિસ્ફોટ કર્યો હતો.
ખ્રિસ્તી સમુદાય પર કરવામાં આવેલો સૌથી મોટો હુમલો
આ હુમલો છેલ્લા કેટલાય મહિનાઓમાં સીરિયામાં ખ્રિસ્તી સમુદાય પર કરવામાં આવેલો સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે. જો કે છેલ્લાં કેટલાક વર્ષોમાં અમેરિકાના નેતૃત્વ હેઠળના દળોએ સીરિયા અને ઇરાકમાં ISની શક્તિને ઘણું નબળી કરી દીધું છે, તેમ છતાં, આતંકી સંગઠન હજુ પણ આવા હિંસાત્મક હુમલાઓને અંજામ આપી રહ્યું છે.