કંડલાથી ઓમાન જતા જહાજમાં લાગી ભીષણ આગ, ઈન્ડિયન નેવી મદદે દોડી આવી

ગુજરાતના કંડલાથી ઓમાન જઈ રહેલા પલાઉ એમટી યી ચેંગ 6 જહાજના એન્જિન રૂમમાં અચાનક ભીષણ આગ લાગી હતી. જહાજની બત્તી સંપૂર્ણપણે ગુલ થઈ ગઈ હતી. આ જહાજમાં ભારતીય મૂળના 14 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. ભારતીય નૌસેનાને આ ઘટનાની જાણ થતાં જ તે મદદ માટે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
બચાવ કામગીરી હાથ ધરી
ભારતીય નૌસેનાના જણાવ્યા મુજબ, કંડલાથી ઓમાન જઈ રહેલા એમટી યી ચેંગ 6 જહાજમાં ગઈકાલે અચાનક આગ લાગી હતી. આ આગની જાણકારી ઓમાનની ખાડીમાં તૈનાત INSTABAR જહાજને મળી હતી. તેણે તરત જ બચાવ કામગીરી હાથ ધરી હતી. INSTABAR જહાજમાં તૈનાત ભારતીય નૌસેનાના 13 જવાનો અને પાંચ ક્રૂ મેમ્બર્સે પ્રારંભિક ધોરણે આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો.
હેલિકોપ્ટરની મદદથી આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો
ભારતીય નૌસેનાના પ્રવક્તાએ ટ્વિટ કરી આ અંગે આજે માહિતી આપી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે, ઓમાનની ખાડીમાં તૈનાત ભારતીય નૌસેનાનું સ્ટિલ્થ ફ્રિગેટ INSTABARને 29 જૂનના રોજ પલાઉ-ફ્લેગ ધરાવતું એમટી યી ચેંગ 6 જહાજમાંથી એક એલર્ટ કોલ આવ્યો હતો. આ જહાજમાં ભારતીય મૂળના 14 ક્રૂ મેમ્બર્સ હાજર હતા.
જહાજ કંડલા, ભારતથી શિનસ ઓમાન જઈ રહ્યું હતું. એન્જિન રૂમમાં ભીષણ આગ લાગતાં જહાજમાં સંપૂર્ણપણે બત્તી ગુલ થઈ હતી. અગ્નિશામક દળ અને ઉપકરણોએ નાની બૉટ અને હેલિકોપ્ટરની મદદથી આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો. 13 ભારતીય નૌસૈના અને 5 ક્રૂ મેમ્બર્સે બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમણે ઘણે અંશે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.