ગુજરાતમાં હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું યલો એલર્ટ, પડશે ભારેથી અતી ભારે વરસાદ

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની અને વરસાદની આગાહી હવામાન વિભાગે કરી ને યલો એલર્ટ આપેલું છે.
સાઇક્લોનિક સર્ક્યુલેશન 36 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, અત્યરે પૂર્વમધ્ય અરબ સાગરમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનનું નિર્માણ થયું છે, જે આગામી 12 કલાકમાં લો પ્રેશર બનવાની અને એ પછીના 12 કલાકમાં ડિપ્રેશનમાં ફરે એવું અનુમાન છે. જેના કારણે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં બે દિવસ છૂટોછવાયો સામાન્ય વરસાદ રહેશે. ત્યાર બાદ વરસાદનું જોર વધી શકે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને લેતા, રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24×7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી છે.તેમણે આ સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલાઓ માટેના દિશાનિર્દેશો આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કંટ્રોલરૂમ 24×7 કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી સૂચનાઓ આપી હતી.