ગુજરાતમાં 4,564 ગ્રામ પંચાયતોનું રિઝલ્ટ આજે, પરિણામો આવવાની શરૂઆત

Gujarat Panchayat Election Result: કડી અને વિસાવદરની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ હવે સૌની નજર ગ્રામ પંચાયતના પરિણામ પર છે. આજે, બુધવારે (25 જૂન) ગુજરાતમાં 4,564 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. અત્યાર સુધીમાં કુલ 751 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઇ છે, ત્યારે પરિણામ બાદ ખબર પડશે કે, પંચાયતો પર કોનું પ્રભુત્વ રહેશે.
મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ
હળવદના નવા વેગડવાવ ગામે વોર્ડ નંબર 2માં ટાઈ પડી છે. નવા વેગડાવાવ ગામે બને ઉમેદવાર ને 38-38 સરખા મત મળતા ટાઇ થઈ છે. આ તરફ હવે ચિઠ્ઠી ઉછાળી ઉમેદવાર નક્કી કરવાની કામગીરી હાથ ધરાઈ છે. અલ્પાબેન દિપકભાઈ મકવાણા વિજય જાહેર થયા છે.
રાજકોટ
ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આવવાનું શરૂ થઈ ગયું છે. રાજકોટના ગોંડલ તાલુકાની રીબડા ગ્રામ પંચાયત ચૂંટણી વોર્ડ-8માં સત્યજિતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાનો વિજય થયો છે.
અમરેલી
અમરેલી જિલ્લામાં આજે 10 તાલુકા મથકોએ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી શરૂ કરી છે. અહીં 77 ગ્રામ પંચાયતના સરપંચ અને 12 ગામોની પેટાચૂંટણીની મત ગણતરી સહિત 2012 સભ્ય પદોની ગણતરી ચાલી રહી છે. અમરેલી જિલ્લામાં કુલ 1216 ઉમેદવારોનો આજે ફેસલો થશે. મતગણતરીમાં જિલ્લામાં 200 જેટલા કર્મચારીઓ કામગીરીમાં જોડાયા છે. દરેક તાલુકા મથકોએ પાંચ ટેબલ ઉપર ત્રણ-ત્રણ કર્મચારીઓ મત ગણતરી કરી રહ્યા છે.
મત ગણતરી શરૂ
હાલ તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ માટેની મત ગણતરી શરૂ થઈ ચુકી છે. ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કડક સુરક્ષા વચ્ચે શરૂ થઈ મત ગણતરી
મત ગણતરી શાંતિપૂર્વક રીતે અને નિષ્પક્ષ રહે તે માટે તમામ મત ગણતરીના કેન્દ્રો પર કડક પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેના કારણે કોઈપણ અનિચ્છનીય બનાવને ટાળી શકાય. આ આખી મત ગણતરીની પ્રક્રિયા CCTV કેમરાની દેખરેખ હેઠળ રહેશે.
58.56 લાખ મતદારો, 3656 સરપંચ, 16224 સભ્યો ચૂંટાશે
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 3656 સરપંચ માટે 8 હજારથી વધુ ઉમેદવાર ચૂંટણી મેદાને છે. જ્યારે 16,224 સભ્યો માટે 70 હજારથી વધુ દાવેદારો ચૂંટણી લડી રહ્યાં છે. સામાન્ય, મધ્યસત્ર ચૂંટણીમાં કુલ 78.20 ટકા મતદાન નોંધાયુ છે. 30,48,434 પુરૂષ અને 28,06,561 મહિલા મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો. કુલ મળીને 81 લાખ મતદારો પૈકી 58.56 લાખ મતદાતાઓએ મતદાન કર્યુ હતું. ડાંગમાં સૌથી વધુ 89.54 ટકા જ્યારે પોરબંદરમાં સૌથી ઓછું 66.77 ટકા મતદાન નોંધાયુ હતું. વડોદરાના પાદરા તાલુકાના નરસિંહપુરા સહિત અન્ય બે સ્થળોએ ફરી મતદાન કરવા પણ નક્કી કરાયુ હતું.
પંચાયતની ચૂંટણીનો જંગ રોચક બન્યો
નોધનીય છે કે, રાજકીય પક્ષના નિશાન આધારે પંચાયતની ચૂંટણી લડાતી નથી તેમ છતાંય પાછલા બારણે સમર્થન જરૂર આપવામાં આવે છે. આ કારણોસર પંચાયતોના પરિણામ પર પણ રાજકીય પક્ષોની નજર હોય છે. ગત વખત કરતાં આ વખતે સમરસ પંચાયતોની સંખ્યા ઓછી થઈ છે. જાતિગત-સ્થાનિક સમીકરણ ઉપરાંત સરપંચને વધુ મળેલી સત્તાને કારણે પંચાયતની ચૂંટણીનો જંગ રોચક બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, બે હજાર બેઠકો પર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી નથી. કડી અને વિસાવદરની પેટાચૂંટણીને કારણે કડી, જોટાણા, વિસાવદર, જૂનાગઢ વિસ્તારની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવામાં આવી નથી.
અમદાવાદમાં 9 સ્થળોએ મત ગણતરી
અમદાવાદ જિલ્લામાં વિરમગામમાં જાદવપુરા, શિવપુરા, ચંદ્રનગર, ડુમાણા, કાળીયાણા, થોરીવડગાસ પંચાયત સમરસ થઈ છે જ્યારે ધોલેરામાં આંબલી, કાદીપુર, ગોગલા, પીપળી, સરસલાપરા અને દેત્રોજ-રામપુરાની કાંત્રોડી, જેઠીપુરા પંચાયતો પણ સમરસ જાહેર કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં બાવળા, દસક્રોઈ, વિરમગામ, માંડલ, સાણંદ, દેત્રોજ અને ધંધુકા તાલુકાની પંચાયતો માટે 9 સ્થળો મતગણતરી થશે. કુલ 28 મતગણતરી હોલમાં 42 ટેબલો ગોઠવવામાં આવ્યા છે. કાયદો વ્યવસ્થા જાળવવા 297 પોલીસ કર્મચારીઓને તૈનાત કરાયા છે.