GUJARAT

વીડિયો બનાવતા યુવકનો તળાવમાં પગ લપસતા મોત

ડભોડા ગામમાં રહેતો બળવંત ગઈકાલે સાંજે લગભગ 6 વાગ્યાના અરસામાં ગામના પાદરે આવેલા તૌરાબોરુ નામના તળાવના કિનારે ગયો હતો. તે પોતાના મોબાઈલ ફોનથી સોશિયલ મીડિયા માટે એક વીડિયો ક્લિપ બનાવી રહ્યો હતો. કહેવાય છે કે તે તળાવના કિનારે ઊભો રહીને કોઈ ખાસ એંગલથી વીડિયો શૂટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે અચાનક તેનો પગ લપસી ગયો અને તે સીધો જ તળાવના ઊંડા પાણીમાં જઈ પડ્યો હતો. પાણીમાં ગરકાવ થવાના કારણે બળવંતને બહાર નીકળવાનો મોકો પણ ન મળ્યો અને તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં જ ડભોડા ગામના સરપંચ ભૂપતજી ઠાકોર અને ગામના તલાટી સહિત અન્ય ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી અને તળાવમાં પડેલા બળવંતને શોધવાના પ્રયત્નો હાથ ધર્યા. ગામના તરવૈયાઓએ તુરંત જ પાણીમાં ઝંપલાવ્યું અને ભારે જહેમત બાદ બળવંતને તળાવમાંથી બહાર કાઢ્યો હતો. યુવકને બેભાન અવસ્થામાં જોઈને ગ્રામજનોએ તાત્કાલિક તેને સારવાર માટે ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યો હતો. જો કે, ત્યાં ફરજ પર હાજર રહેલા તબીબે બળવંતને મૃત જાહેર કરતાં સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

બળવંતના અચાનક અવસાનથી તેના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. માતા-પિતા અને ભાઈ-બહેનોમાં ભારે શોક જોવા મળી રહ્યો છે. આ દુઃખદ ઘટનાથી સમગ્ર ડભોડા ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. યુવકના મોતના સમાચાર સાંભળીને આજુબાજુના ગામોમાં પણ દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button