રથયાત્રાના એક દિવસ પહેલા ભગવાન જગન્નાથે ધારણ કર્યો ‘સોનાવેશ’, મોસાળમાં તૈયારીઓનો ધમધમાટ

ગુજરાતની સૌથી મહત્ત્વપૂર્ણ ધાર્મિક શોભાયાત્રાઓમાંની એક જગન્નાથ રથયાત્રા આવતીકાલે 27 જૂને નીકળવાની છે, ત્યારે 148મી વાર્ષિક જગન્નાથ રથયાત્રામાં સુરક્ષાને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જ્યારે આજે (26 જૂન) ભગવાને સોના વેશ ધારણ કર્યા છે, જેમાં જગન્નાથ ભગવાને આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કર્યા છે, ત્યારે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી.
અમદાવાદમાં આવતીકાલે શુક્રવારે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે. આ વર્ષે ઉત્સવ કમિટી દ્વારા બાળકોને ભગવાન અને માતાજીની વેશભૂષા ધારણ કરીને રથમાં બેસાડીને પછી રથને મંદિરમાં લાવીને પૂજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાની પૂર્વસંધ્યાએ પરંપરાગત રીતે હિન્દુ ભક્તો અને મહાવત દ્વારા ગજરાજનો શણગાર કરવામાં આવ્યો હતો અને રથ પૂજન વિધિ કરાઈ છે.
રથ પૂજન વિધિ કરાઈ
મંદિરમાં રથ પૂજન પહેલા બાળકોને ગણેશ, મહાદેવ, નવદુર્ગા વિવિધ ભગવાન-માતાજીના શણગાર ધારણ કરીને રથને મંદિર પ્રાંગણમાં લઈ ગયા બાદ પૂજન વિધિ કરાઈ હતી. બીજી તરફ, રથયાત્રા દરમિયાન ભગવાનના મોસાળ સરસપુરમાં ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભગવાન જગન્નાથના દર્શનાર્થે આવતાં ભાવિકો માટે સરસપુરની પોળોમાં ભોજન-પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કડિયાવાડની પોળ, ગાંધીની પોળ, રૂડીમાની પોળ, લીમડાપોળ સહિતની પોળોમાં ભંડારો થશે. આ ભંડારામાં ભક્તોને દાળ-ભાત, શાક, પૂરી, મિષ્ટાન્નમાં બુંદી-લાડુ સહિતનો પ્રસાદ મળશે. શ્રી મહાકાળી ધામના મહંતે જણાવ્યું છે કે, સરસરપુરની લગભગ 18 જેટલી પોળોમાં રસોડા ચાલી રહ્યા છે. જેમાં 1 લાખથી વધુ ભક્તો પ્રસાદનો લ્હાવો લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
રથયાત્રામાં AI ટેક્નોલોજીથી રખાશે દેખરેખ
અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રામાં સુરક્ષાને લઈને તમામ તૈયારી કરી લીધી છે. રથયાત્રામાં પહેલીવાર AI ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવશે. 22 જૂને અમદાવાદ પોલીસ કમિશ્નરે રથયાત્રા રૂટ પર નિરીક્ષણ કર્યું હતું. પોલીસ કમિશ્નરની સાથે ACP, DCP સહિતના અધિકારીએ પોઇન્ટના નિરીક્ષણમાં હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘રથયાત્રાને લઈને 20 હજારથી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવશે. બેંગાલુરુ જેવી ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવશે.’ રથયાત્રામાં સુરક્ષા મામલે 24-25 જૂને એમ બે વખત રિહર્સલ કરવામાં આવ્યું હતું.