અમદાવાદની 148મી રથયાત્રામાં આ 4 ઐતિહાસિક ઘટનાઓ બની, પહેલાં આવું ક્યારેય નથી બન્યું

આજે અષાઢી બીજના પાવન દિવસે 148મી વાર ભગવાન જગન્નાથની રથયાત્રા ઉજવવામાં આવી રહી છે. આ ખાસ દિવસે ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ દર્શન આપવા માટે બહાર નીકળે છે. આ પ્રાચીન પરંપરા 148 વર્ષોથી ચાલતી આવી રહી છે અને આ વખતની રથયાત્રા કેટલીક વિશિષ્ટતાઓ માટે યાદગાર બની છે.
યાત્રા 10 મિનિટ વહેલી શરૂ થઈ
સામાન્ય રીતે આ યાત્રા અષાઢી બીજની સવારે સાત વાગે મુખ્યમંત્રી દ્વારા શરૂ થાય છે, પરંતુ આ વખતની યાત્રા 10 મિનિટ પહેલા શરૂ થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી માર્ગ શુદ્ધ કરી અમદાવાદની આ પવિત્ર યાત્રા પ્રારંભ કરાવી.
પ્રથમવાર ધાર્મિક યાત્રામાં AI ટેકનોલોજીનો ઉપયોગ:
આ વખતની રથયાત્રાને સુરક્ષિત બનાવવા માટે અમદાવાદ પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આમાં 24 હજારથી વધુ પોલીસ અને પેરામીલિટરી ફોર્સ તૈનાત રહેશે. ખાસ વાત એ છે કે પોલીસે પ્રથમવાર AI આધારિત સોફ્ટવેરથી ભીડ પર નજર રાખવા અને ફાયર એલર્ટ આપવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. ઉપરાંત, 5000 થી વધુ બોડીવોર્ન કેમેરા, ડ્રોન અને GPS સાધનો પણ મુકાયા છે.
ભગવાન જગન્નાથને પ્રથમવાર ગાર્ડ ઓફ ઓનર:
આ વર્ષે ઇતિહાસમાં સૌપ્રથમ વખત ગુજરાત પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. આ વિધિ યાત્રા શરૂ થવાના પહેલાં કરવામાં આવી, જે ભક્તો માટે એક અનોખું સમ્માન છે.
મહંત દિલીપદાસજીને નવી પદવી અપાઈ:
જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને યાત્રા પર્વ દરમિયાન ‘જગદગુરુ’ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે. હવે તેમને રામાનંદાચાર્ય દિલીપદેવાચાર્ય તરીકે ઓળખવામાં આવશે. આ પદવી તેમના મહામંડલેશ્વરના પદ પર આગળ વધતા આપવામાં આવી, જેમાં દેશભરના સાધુ-સંતો હાજર રહ્યા.
સોનાની સાવરણીથી માર્ગ શુદ્ધ કરાયો
આ દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી માર્ગ શુદ્ધ કરીને શરૂઆત કરી હતી. ‘જય રણછોડ, માખણચોર’ ના ધ્વનિ સાથે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા નગરચર્યાએ યાત્રા શરૂ કરી. ગૃહમંત્રી અમિત શાહે પણ રથયાત્રા પહેલા મંગળા આરતી કરી ભક્તોને આશીર્વાદ આપ્યા. સમગ્ર શહેરના ભક્તોમાં હર્ષ-ઉલ્લાસ અને ભક્તિભાવ જોવા મળ્યો છે. પોલીસતંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી રાખવામાં આવી છે, જેથી યાત્રા શાંતિપૂર્વક અને વિધ્નરહિત રીતે નિજમંદિર પહોંચી શકે.