આ દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટને કહ્યું અલવિદા, કારકિર્દીમાં 119 મેચમાં 8 હજારથી વધુ રન બનાવ્યા

2025નું વર્ષ ટેસ્ટ ક્રિકેટ માટે ઉતાર-ચઢાવથી ભરેલું હતું. આ વર્ષે ઘણા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ દિગ્ગજોએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું. ભારતીય ક્રિકેટ સ્ટાર ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું. હવે આ યાદીમાં શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન એન્જેલો મેથ્યુસનું નામ પણ ઉમેરાયું છે. શ્રીલંકાની ટીમ કોલંબોમાં બાંગ્લાદેશ સાથે ટેસ્ટ મેચ રમી રહી છે. એન્જેલો મેથ્યુસ આજે પોતાના દેશની ધરતી પર પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી રહ્યો છે.
બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા મેચના ત્રીજા દિવસે જ્યારે શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન એન્જેલો મેથ્યુસ બેટિંગ કરવા માટે ઉતર્યા ત્યારે બાંગ્લાદેશના ખેલાડીઓએ ગાર્ડ ઓફ ઓનર સાથે મેથ્યુસનું મેદાન પર સ્વાગત કર્યું. બાંગ્લાદેશના ખેલાડીઓ બે લાઈનમાં ઉભા હતા, જેમાંથી એન્જેલો મેથ્યુસ પસાર થયા અને ખેલાડીઓએ મેદાન પર તાળીઓ પાડીને તેમનું સ્વાગત કર્યું.
એન્જેલો મેથ્યુઝે પોતાની છેલ્લી મેચમાં ૫૬.૫૨ ના સ્ટ્રાઇક રેટથી ૬૯ બોલમાં ૩૯ રન બનાવ્યા હતા. પોતાની ટેસ્ટ કારકિર્દીની આ છેલ્લી ઇનિંગમાં મેથ્યુઝે ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. મેથ્યુઝ સારી બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ આ મેચમાં શ્રીલંકાના સ્ટાર ખેલાડી અડધી સદી ફટકારવામાં ચૂકી ગયો. મેચની પરિસ્થિતિ મુજબ, આ ઇનિંગ મેથ્યુઝની ટેસ્ટ કારકિર્દીની છેલ્લી ઇનિંગ હોઈ શકે છે.
એન્જેલો મેથ્યુઝ તેની ૧૧૯મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. મેથ્યુઝે તેની ટેસ્ટ કારકિર્દીમાં ૮,૨૦૬ રન બનાવ્યા છે. મેથ્યુઝનો સર્વોચ્ચ સ્કોર ૨૦૦ અણનમ છે. ટેસ્ટમાં મેથ્યુઝની સરેરાશ ૪૫ ની નજીક છે.