GUJARAT

કચ્છમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો પ્રયાસ, બે આરોપીની ધરપકડ

આદિપુરમાંથી એક હેરાન કરનાર અને માનવતા ને ઝંજોડી મૂકે તેવી ઘટના સામે આવી છે. જ્યાં 16 વર્ષની સગીરાનું બે અજાણ્યા યુવકોએ અપહરણ કર્યું અને પછી તેની સાથે દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ મામલે પીડિતાના પરિવારજનો પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તંત્ર તત્કાલ હરકતમાં આવ્યું અને ગણતરીની કલાકોમાં બંને આરોપીની ધરપકડ કરી લીધી છે.

શુ થયું હતું?

મળતી માહિતી અનુસાર, 26મી જૂનના ગુરુવારના સાંજના સમયે સગીરા પોતાના પરિચિત સગીર યુવાન સાથે આદિપુરના શનિદેવ મંદિર તરફ ગઈ હતી. તે દરમિયાન રસ્તામાં બે અજાણ્યા શખ્સોએ તેમને રોક્યા અને પોતાને પોલીસ બતાવી ધમકી આપી કે તેઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે. આ પછી બંને શખ્સોએ સગીરા અને તેના સાથી કિશોરને જુદી જુદી બાઈક પર બેસાડી અજાણી જગ્યાએ લઈ ગયા. ત્યાં એક આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું અને એને મારી નાખવાની ધમકી આપી સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય માટે દબાણ કર્યું હોવાનો ગંભીર આરોપ છે.

પરિવારજનોના સંવાદથી પોલીસ હરકતમાં

આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની જાણ સગીરાને સાથે રહેલા કિશોરે તાત્કાલિક પીડિતાની ભાઈને આપી. પીડિતાના ભાઈ દ્વારા ફરિયાદ દાખલ થતાં કચ્છ ઈસ્ટ પોલીસ દોડતી થઈ ગઈ. પોલીસે પોક્સો અધિનિયમ, અપહરણ અને દુષ્કર્મની કલમો હેઠળ તાત્કાલિક ગુનો નોંધ્યો અને ઝડપથી બંને આરોપીઓને પકડ્યા.

તપાસ અને કાર્યવાહી ચાલુ

દુઃખદ ઘટનાનો ભોગ બનનાર તથા આરોપીઓની તબીબી તપાસ કરાવવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ કેસની નજીકથી દેખરેખ રાખી રહ્યા છે.

કાયદો પોતાનું કામ કરશે

કચ્છ ઈસ્ટ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “સામાજિક વિરુદ્ધના આ કૃત્યોને કોઈ પણ હાલતમાં બરદાસ્ત કરવામાં નહીં આવે. તટસ્થ અને ઝડપથી તપાસ કરીને આરોપીઓને કાયદાની કડક સજા અપાવવામાં આવશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button