દેવભૂમિ દ્વારકામાં દરિયામાં હોડી ડૂબવાથી બે સગા ભાઈઓના મોત

ચોમાસાની શરૂઆત સાથે જ ગુજરાત, ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. આ વચ્ચે દરિયાઈ વિસ્તારોમાં પણ તોફાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આવી જ પરિસ્થિતિ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા નજીક એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં દરિયામાં હોડી ડૂબી જવાથી બે સગા ભાઈઓના જીવ ગયા છે.
કાળુભાર ટાપુ તરફ ગયા હતા
સયાલા તાલુકાના નાના આંબલા ગામના રહેવાસી અને સગા ભાઈઓ સીમરાજ ઘાવડા (ઉંમર 24 વર્ષ) અને મોહમ્મદહુસૈન ઘાવડા (ઉંમર 27 વર્ષ) શિકાર માટે હોડી લઈ સલાયા બંદર નજીકના કાળુભાર ટાપુ તરફ ગયા હતા. તેઓ દરિયાઈ વિસ્તારમાં લગભગ 4 નોટિકલ માઈલ દૂર કૂડચલનો શિકાર કરી રહ્યા હતા ત્યારે દરિયામાં કરંટ વધવાથી તેમની હોડી અચાનક પલટી ગઈ.
પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું
પરિણામે બંને ભાઈઓ પાણીમાં ગરકાવ થઈ ગયા અને તેમનું દુર્ઘટનામાં મોત નીપજ્યું. આ દુઃખદ ઘટના બાદ તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારના સભ્ય કારાભાઈ ઘાવડાએ તાત્કાલિક સલાયા મરીન પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી છે. હવે પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.