પાટણના તળાવમાં નહાવા કૂદેલા બે સગા ભાઈ-બહેનના મોત, પરિવાર પર આભ ફાટ્યું

પાટણમાંથી ખુબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં ગરમીના કાળા કહેર વચ્ચે સરસ્વતી મોરપા ગામે તળાવમાં નહાવા પડેલા બે બાળકોના મોત નિપજ્યા છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે બંને બાળકો સગા ભાઈ બહેન હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ, બાળકોના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે.
પાટણના સરસ્વતી મોરપા ગામે ચારથી પાંચ બાળકો ગરમીથી રાહત મેળવવા માટે તળાવમાં નહાવા ગયા હતાં. આ દરમિયાન 9 વર્ષનો ભાઈ અને 14 વર્ષની બહેનનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. જે દરમિયાન બે બાળકો તળાવમાં ડૂબી રહ્યા હતાં, ત્યારે તેમને ડૂબતા જોઈ સાથે નહાવા પડેલા અન્ય બાળકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો અને બૂમાબૂમ કરી હતી.
બાદમાં ગામના લોકો ભેગા થઈ ગયા અને બાળકોને તળાવમાંથી બહાર કાઢી તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જોકે, સારવાર દરમિયાન બંને બાળકોના મોત નિપજ્યા હતાં.