વિરાટ જે ન કરી શક્યો તે કરીને સ્મૃતિ મંધાના રોહિત શર્માના ક્લબમાં જોડાઈ, આ સિદ્ધિ મેળવનાર ત્રીજી ભારતીય

ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચ મંગળવારે (01 જુલાઈ) બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. જ્યાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાના બેટિંગ દરમિયાન કઈં ખાસ કરી શકી ન હતી.
તેમ છતાં, તેણે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 150 કે તેથી વધુ મેચ રમનારી દેશની ત્રીજી ખેલાડી બની છે. તેના પહેલા, પુરુષોની ટીમમાંથી ફક્ત રોહિત શર્માએ 150 થી વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.
બીજી તરફ, મહિલા ટીમમાંથી હરમનપ્રીત કૌરના નામે આ ખાસ સિદ્ધિ નોંધાઈ છે. જેણે 179 મેચોમાં પ્રતિભા બતાવી છે. પરંતુ હવે સ્મૃતિ મંધાનાનું નામ પણ આ ખાસ યાદીમાં સામેલ થઈ ગયું છે.
સ્મૃતિ મંધાનાની ક્રિકેટ કારકિર્દી
28 વર્ષીય મહિલા બેટર સ્મૃતિ મંધાના ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં 150 મેચ રમી ચૂકી છે. આ દરમિયાન, તેના બેટથી 144 ઇનિંગ્સમાં 29.89ની સરેરાશથી 3886 રન બન્યા છે. T20 ક્રિકેટમાં તેના નામે એક સદી અને 30 ફિફ્ટી છે. તેણે 124.32 ના સ્ટ્રાઇક રેટથી આ રન બનાવ્યા છે. મંધાનાના બેટથી ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં 76 છગ્ગા અને 523 ચોગ્ગા લાગ્યા છે.
રોહિત શર્મા અને હરમનપ્રીત કૌરની T20 કારકિર્દી
રોહિતે શર્માએ ભારતીય પુરુષ ટીમ માટે 159 મેચ રમીને 151 ઇનિંગ્સમાં 4231 રન બનાવ્યા છે, જ્યારે હરમનપ્રીતે ભારતીય મહિલા ટીમ માટે 179 મેચ રમીને 159 ઇનિંગ્સમાં 3590 રન બનાવ્યા છે.