– ઉ.પ્ર.નું બાંદા 48 ડિગ્રી સાથે સતત ત્રીજા દિવસે દેશનું હોટેસ્ટ શહેર
– દિલ્હીમાં રિજ બેઝ સ્ટેશન 45.8 ડિગ્રી સાથે શહેરનું સૌથી ગરમ સ્થળ : રાજસ્થાનનું શ્રીગંગાનગર 46.5 ડિગ્રીએ ભઠ્ઠી બન્યું
– હરિયાણાનાં રોહતકમાં 46.9, ઉત્તરાખંડનાં દેહરાદૂનમાં 40.6, તેલંગણાનાં એલાપુરમાં 45.9 ડિગ્રી તાપમાન
Weather News : બુધવારે ઉત્તર ભારતમાં ભીષણ ગરમીનો પ્રકોપ જારી રહ્યો હતો. ઉત્તર પ્રદેશનો બાંદા શહેર 48 ડિગ્રી સેલ્સિયસ સાથે સતત ત્રીજા દિવસે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. બાંદા શહેરનું આ તાપમાન સામાન્યથી 4.5 ડિગ્રી વધારે હતું.
ગરમીની વચ્ચે દેશમાં વીજળીની માંગ બુધવારે રેકોર્ડ 265.44 ગીગા વોટ પર પહોંચી ગઇ હતી. તેણે મંગળવારે બનાવેલા પાછલા રેકોર્ડને પણ પાછળ છોડી દીધો હતો. ગરમીને કારણે એર કન્ડીશનરનો ઉપયોગ વધતા વીજળીની માંગ સતત વધી રહી છે.
દિલ્હીમાં રિજ બેઝ સ્ટેશન પર મહત્તમ તાપમાન 45.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જેના કારણે આ દિલ્હીનું સૌથી ગરમ સ્થળ બની ગયું હતું. સફદરગંજ હવામાન કેન્દ્રમાં મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
ઉત્તર પ્રદેશનાં હવામાન વિભાગે હજુ પણ આગામી એક સપ્તાહુ સુધી અનેક વિસ્તારો માટે ભીષણ લૂની એલર્ટ જારી કરી છે. આગામી ત્રણ દિવસ સુધી યલો એલર્ટ અને ત્યારબાદ ઓરેન્જ એલર્ટની ચેતવણી જારી કરવામાં આવી છે.
આ ચેતવણી લૂ અને ભીષણ લૂની સ્થિતિને ધ્યાનમાં રાખી તથા રાતે પણ ગરમી જળવાઇ રહેવાની આશંકાને ધ્યાનમાં રાખીને જારી કરવામાં આવી છે. રાજસ્થાનમાં શ્રીગંગાનગર 46.5 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. રાજ્યનાં હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારોમાં ભીષણ ગરમીનો પ્રકોપ જારી રહ્યો હતો.
પંજાબ અને હરિયાણામાં પણ ભીષણ લૂનો પ્રકોપ જારી રહ્યો હતો. જ્યાં તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. હરિયાણાનાં રોહતકમાં મહત્તમ તાપમાન 46.9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. પંજાબનાં બથિન્ડા મહત્તમ તાપમાન 46.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
પર્વતીય રાજ્ય હિમાચલમાં પણ લૂ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જ્યાં મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. પર્વતોની રાણી તરીકે ઓળખાતા શિમલામાં દિવસનાં સમયે તાપમાન 30.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું.
ઉત્તરાખંડમાં પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધવામાં આવ્યું હતું. મેદાની વિસ્તાર દેહરાદૂનમાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. પર્વતીય વિસ્તાર નવી ટિહરીમાં તાપમાન 29.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
તેલંગણામાં પણ તાપમાન ઝડપથી વધી રહ્યું છે. એલાપુરમાં 45.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. રાજ્યનાં અન્ય વિસ્તારોમાં પણ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે નોંધવામાં આવ્યું હતું.
વીજળીની માંગ સતત ત્રીજા દિવસે વધીને 265.44 ગીગા વોટને પાર
નવી દિલ્હી : ગરમીની વચ્ચે દેશમાં વીજળીની માંગ બુધવારે રેકોર્ડ 265.44 ગીગા વોટ પર પહોંચી ગઇ હતી. તેણે મંગળવારે બનાવેલા પાછલા રેકોર્ડને પણ પાછળ છોડી દીધો હતો. ગરમીને કારણે એર કન્ડીશનરનો ઉપયોગ વધતા વીજળીની માંગ સતત વધી રહી છે.
વધતા તાપમાનની વચ્ચે સોમવારે પણ વીજળીની માંગ રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ હતી. વીજળી મંત્રાલયનાં આંકડા અનુસાર સોમવારે વીજળીની માંગ 257.37 ગિગાવોટ હતી. ત્યારબાદ મંગળવારે તે વધીને 260.45 ગિગાવોટ થઇ ગઇ હતી. બુધવારે 3.45 વાગ્યે વીજળીની માંગ વધીને 265.44 ગિગાવોેટ થઇ ગઇ હતી. વીજળી મંત્રાલયનો અંદાજ છે કે ચાલુ ગરમીમાં વીજળીની માંગ વધીને 270 ગિગાવોટ સુધી જઇ શકે છે.



Leave a Comment