![]()
Veteran Singer Suman Kalyanpur Passes Away at 89: બોલિવૂડ અને સંગીત જગતમાંથી એક ખૂબ જ દુખદ સમાચાર સામે આવ્યા છે. 1960 અને 70ના દાયકામાં પોતાની મધુર આવાજથી લાખો દિલો પર રાજ કરનારા દિગ્ગજ પાર્શ્વ ગાયિકા (Playback Singer) સુમન કલ્યાણપુરનું રવિવારની સાંજે મુંબઈમાં નિધન થયું છે. 89 વર્ષની વયે તેમણે લોખંડવાલા સ્થિત પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. પદ્મ ભૂષણથી સન્માનિત આ મહાન કલાકારના જવાથી સંગીત પ્રેમીઓ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઈ છે.
વધતી ઉંમરની બીમારીઓ બની નિધનનું કારણ
સુમન કલ્યાણપુરની મરાઠી જીવનચરિત્ર ‘સુમન સુગંધ’ લખનાર અને તેમની નજીકની મિત્ર મંગલા ખાડિલકરે આ દુખદ સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, વધતી જતી ઉંમરને કારણે સ્વાસ્થ્ય સંબંધી અસંખ્ય સમસ્યાઓનો તેઓ સામનો કરી રહ્યા હતા. રવિવારે રાત્રે આશરે 8 વાગ્યે લોખંડવાલા સ્થિત તેમના ઘરે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે તેમનું નિધન થયું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, સુમનજી પોતાના જીવનના છેલ્લા દિવસોમાં પોતાના જ ગાયેલા જૂના ગીતો ખૂબ જ પ્રેમથી સાંભળતા હતા અને એ જ મધુર યાદો સાથે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું.
લતા મંગેશકરના દોરમાં બનાવી અલગ ઓળખ
જે સમયગાળામાં સ્વર કોકિલા લતા મંગેશકરનો આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર દબદબો હતો, તે કાળમાં સુમન કલ્યાણપુરે પોતાની ઉત્કૃષ્ટ ગાયકી અને મધુર અવાજના જોરે માત્ર એક અલગ ઓળખ જ નહોતી બનાવી, પરંતુ ઇન્ડસ્ટ્રીમાં એક ખાસ સ્થાન પણ હાંસલ કર્યું હતું. તેમણે ‘ના ના કરતે પ્યાર તુમ્હી સે’ અને ‘તુમને પુકારા ઔર હમ ચલે આયે’ જેવા અસંખ્ય સદાબહાર ગીતો હિન્દી સિનેમાને આપ્યા છે.
બહુભાષી પ્રતિભા અને દેશ વિદેશમાં આદર
અખંડ ભારતના ઢાકામાં જન્મેલા અને બાદમાં મુંબઈને પોતાનું ઘર બનાવનાર સુમનજીએ માત્ર હિન્દી અને મરાઠી જ નહીં, પરંતુ આસામી, કન્નડ, બંગાળી અને ઓડિયા સહિતની ઘણી પ્રાદેશિક ભાષાઓમાં પણ ગીતો રેકોર્ડ કર્યા હતા. ફિલ્મી ગીતો ઉપરાંત ભક્તિ સંગીત (ભજન), ગઝલ અને ઠુમરીમાં પણ તેમનું પ્રદાન અતુલનીય રહ્યું છે. મરાઠી સંગીતમાં તેમના ગીતો જેમ કે ‘કેતકીચ્યા બની તિથે’, ‘સાંગ કધી કળનાર તુલા’ અને ‘લિંબોણીચ્યા ઝાડામાગે’ આજે પણ પેઢી દર પેઢી એટલા જ લોકપ્રિય છે. સંગીત ક્ષેત્રે તેમના આ જ અમૂલ્ય યોગદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને પ્રતિષ્ઠિત ‘પદ્મ ભૂષણ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુમનજી પોતાના પાછળ ૬ દાયકા લાંબી અતુલ્ય સંગીતમય સફર છોડી ગયા છે.


Leave a Comment