![]()
Bobby Deol on Jab We Met: બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર અને શાહિદ કપૂરની આઇકોનિક રોમેન્ટિક ફિલ્મ ‘જબ વી મેટ’ને આજે પણ સિનેમાપ્રેમીઓ ખૂબ પસંદ કરે છે. પરંતુ આ સુપરહિટ ફિલ્મની પાછળ એક એવો પણ ઈતિહાસ છુપાયેલો છે જે બોબી દેઓલના કરિયરનો સૌથી મોટો ઝટકો સાબિત થયો હતો. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં બોબી દેઓલે પોતાના જીવનના એ સૌથી મોટા દગા અને નકારાત્મક અનુભવને યાદ કરીને જૂનું દર્દ શેર કર્યું છે. બોબીએ ખુલાસો કર્યો છે કે કેવી રીતે આ ફિલ્મ માટે તેમણે પોતે ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલી અને કરીના કપૂરને રાજી કર્યા હતા, પરંતુ છેલ્લી ઘડીએ રાજકારણ રમાયું અને તેમને હટાવીને શાહિદ કપૂરને મુખ્ય રોલ આપી દેવાયો.
આગામી ફિલ્મ ‘બંદર’ના પ્રમોશનમાં યાદ આવ્યો ભૂતકાળ
બોબી દેઓલ હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘બંદર’ને લઈને ભારે ચર્ચામાં છે, જે 5 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ડાયરેક્ટર અનુરાગ કશ્યપની આ ફિલ્મમાં બોબી દેઓલ એક એવા સુપરસ્ટાર ટીવી એક્ટરનું પાત્ર ભજવી રહ્યા છે, જેની સ્ટારડમ ધીમે-ધીમે ઢળી રહી છે અને તેના પર એક યુવતી યૌન ઉત્પીડનનો ગંભીર આરોપ લગાવે છે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન જ બોબીએ પોતાના ખરાબ સમયના ગુસ્સા, નિરાશા અને દગા વિશે ખુલીને વાત કરી હતી.
જ્યારે હાથમાંથી નીકળી ગઈ આઇકોનિક ફિલ્મ
બોબી દેઓલે ‘આપ કી અદાલત’ સહિતના પ્લેટફોર્મ્સ પર આ ઘટનાની અંદરની વાર્તા શેર કરતા જણાવ્યું કે, “ઇમ્તિયાઝ અલી જ્યારે મારા કઝિન અભય દેઓલ સાથે ફિલ્મ ‘સોચા ના થા’ બનાવી રહ્યા હતા, ત્યારથી જ હું તેમના કામથી પ્રભાવિત હતો. તે ફિલ્મ મારા પિતા ધર્મેન્દ્રજીના પ્રોડક્શન હાઉસ ‘વિજેતા ફિલ્મ્સ’ હેઠળ બની રહી હતી અને ભાઈ સની દેઓલ તેનું સુપરવિઝન કરી રહ્યા હતા. ત્યારે જ મેં અને ઇમ્તિયાઝે નક્કી કર્યું હતું કે આપણે આગળ એક ફિલ્મ સાથે કરીશું અને તે પ્રોજેક્ટ હતો ‘જબ વી મેટ’ જેનું શરૂઆતી નામ ‘ગીત’ રાખવાનું વિચારાયું હતું.”
બોબીએ આગળ કહ્યું, “મેં જ કરીના કપૂરને આ ફિલ્મની વાર્તા સંભળાવી હતી અને તેને ઇમ્તિયાઝ સાથે કામ કરવા માટે તૈયાર કરી હતી. હું આ પ્રોજેક્ટ લઈને શ્રી અષ્ટવિનાયક સિને વિઝન નામના મોટા પ્રોડક્શન હાઉસ પાસે ગયો હતો. ત્યારે તે બેનરે મને એવું કહીને ના પાડી દીધી કે ઇમ્તિયાઝ અલી ખૂબ મોંઘા ડાયરેક્ટર છે અને તેઓ આ ફિલ્મ અત્યારે નહીં બનાવે. પણ થોડા જ સમય પછી મને મોટો આંચકો લાગ્યો જ્યારે મને ખબર પડી કે એ જ પ્રોડક્શન હાઉસે એ જ વાર્તા, એ જ ડાયરેક્ટર અને કરીના કપૂર સાથે ફિલ્મ શરૂ કરી દીધી છે, બસ હીરોના રોલમાંથી મને બહાર કરીને શાહિદ કપૂરને સાઇન કરી લેવાયો હતો.”
બોબીએ ભાવુક થતાં સ્વીકાર્યું, “તે સમયે મારું દિલ તૂટી ગયું હતું, કારણ કે મારા કરિયરના એ મુશ્કેલ તબક્કે મને આવી જ એક મોટી હિટ ફિલ્મની સખત જરૂર હતી.”
‘મેં મારા ગુસ્સા અને દર્દને જ તાકાત બનાવી દીધી’
જોકે, બોબી દેઓલ હવે આ જૂની વાતોને લઈને મનમાં કોઈ કડવાશ રાખતા નથી. તેમણે આજના સમયમાં પોતાની ફિલસૂફી શેર કરતા કહ્યું, “હવે એ વાત ભૂતકાળ બની ગઈ છે અને અમે બધા સારા મિત્રો છીએ. જીવનમાં હંમેશા બધું સારું જ નથી થતું. મેં જ્યારે મારા કમબેક પર કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે મેં નક્કી કર્યું કે જે દુઃખ, નિરાશા અને ગુસ્સો મેં ભૂતકાળમાં અનુભવ્યો છે, તેને હું મારી નબળાઈ નહીં પણ તાકાત બનાવીશ. તમે હંમેશા એક ખૂણામાં બેસીને રડી શકતા નથી. આ જ કડવા અનુભવોએ મને આજે એક પરિપક્વ માણસ અને એક શ્રેષ્ઠ અભિનેતા બનાવ્યો છે.”
આ પણ વાંચો: ‘લોકોને બસ બોલતા આવડે છે!’, માતા બન્યા પછીના પડકારો પર કિયારા અડવાણીનો આક્રોશ
આ મામલે ઇમ્તિયાઝ અલીનો પક્ષ શું હતો?
બીજી તરફ, આ વિવાદ અંગે ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલીએ વર્ષ 2023માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ઇમ્તિયાઝે કહ્યું હતું કે, “‘સોચા ના થા’ પછી મેં બોબી દેઓલ માટે 2 વર્ષ સુધી કોઈ નવી ફિલ્મ શરૂ નહોતી કરી કારણ કે હું ઇચ્છતો હતો કે બોબી જ ‘જબ વી મેટ’ કરે. પરંતુ તે સમયે બોબીને અન્ય મોટા ડાયરેક્ટર્સ તરફથી ફિલ્મોની ઓફરો મળી રહી હતી અને તેઓ રાહ જોઈ રહ્યા હતા. મેં ઘણો લાંબો સમય કોઈ કામ નહોતું કર્યું જેના લીધે મારા પર આર્થિક દબાણ વધી રહ્યું હતું. આખરે મેં જ બોબીને કહ્યું કે કદાચ આપણું નસીબ સાથે નથી, તેથી સારું રહેશે કે આપણે આપણી મિત્રતા બચાવવા આ પ્રોજેક્ટ અહીં જ પડતો મૂકીએ.”
બોબી દેઓલે ‘એનિમલ’ ફિલ્મની ભવ્ય સફળતા બાદ બોલિવૂડમાં કિંગ સાઈઝ કમબેક કર્યું છે અને હવે તેઓ પોતાના કરિયરના એવા તબક્કા પર છે જ્યાં તેમની પાસે ફિલ્મોની લાઈન લાગેલી છે.



Leave a Comment