Amreli Crime News: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કંટાળા ગામમાંથી લોહીના સંબંધોને કલંકિત કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર જમીનની તકરારમાં મોટાભાઈએ સગા ભાઈની ઘાતકી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. માતાની જીવાઈની જમીન બાબતે ચાલી રહેલા વિવાદે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે ભાઈ જ ભાઈનો કાળ બની ગયો હતો.
લાકડી અને કુહાડીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
મળતી માહિતી અનુસાર, કંટાળા ગામે રહેતા રાઘવ સોંદરવા નામના આધેડની તેમના જ મોટાભાઈ અને અન્ય શખસો દ્વારા હત્યા કરવામાં આવી હતી. માતાની જીવાઈની જમીનને લઈને બંને ભાઈઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ બાબતે ફરી તકરાર થતાં મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા મોટાભાઈ અને અન્ય શખસોએ રાઘવ સોંદરવા પર લાકડી અને કુહાડી જેવા ધારદાર હથિયારો વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ગંભીર ઈજાઓ થવાના કારણે આધેડ રાઘવ સોંદરવાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
6 શખસો સામે ગુનો નોંધાયો
હત્યાની આ ઘટના બાદ ગામમાં અરેરાટી સાથે તણાવનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ અર્થે ખાંભા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. આ મામલે ખાંભા પોલીસે કાર્યવાહી કરતા કુલ 6 શખસો સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Leave a Comment