![]()
Hardik Pandya, India Squad: આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 6 જૂનના રોજ ટીમ ઇન્ડિયાની જાહેરાત થાય તેવી શક્યતા છે. પરંતુ આ પ્રવાસ માટે હાર્દિક પંડ્યાની પસંદગી થવાના આસાર ઓછા દેખાઈ રહ્યા છે. એટલે કે, તેમને ભારતની T20 ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યાને T20 ટીમમાંથી ડ્રોપ કરવા પાછળ ભારતીય સિલેક્ટર્સનો મુખ્ય હેતુ વનડે વર્લ્ડ કપ સાથે જોડાયેલો છે. ભારતને આગામી વર્ષે સાઉથ આફ્રિકામાં વનડે વર્લ્ડ કપ રમવાનો છે, જ્યાંની તેજ અને ઉછાળવાળી પિચો પર અનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ભૂમિકા મોટી હોઈ શકે છે. આવી સ્થિતિમાં સિલેક્ટર્સનું ધ્યાન પંડ્યાને વધુમાં વધુ વનડે મેચો રમાડવા પર છે.
હાર્દિક પંડ્યા કેમ T20માંથી બહાર થશે?
અફઘાનિસ્તાન સામેની 3 વનડે મેચોની સિરીઝ માટે હાર્દિક પંડ્યાની પસંદગી કરવામાં આવી છે. આ વનડે સિરીઝમાં હાર્દિક અને તેના પ્રદર્શન પર જ પૂરો ફોકસ રહેવાનો છે. હાર્દિક પંડ્યા કેવી બેટિંગ કરે છે અને સૌથી મહત્વની વાત એ કે તે પોતાના ક્વોટાની પૂરેપૂરી 10 ઓવર બોલિંગ કરી શકે છે કે નહીં? તેના પર સિલેક્ટર્સની નજર રહેશે. ભારતીય સિલેક્ટર્સનો પ્રયાસ હાર્દિક પંડ્યાને ઈન્જરીથી બચાવીને વનડે વર્લ્ડ કપ 2027 માટે તૈયાર કરવાનો છે.
ઈન્જરી છે પંડ્યાની દુશ્મન!
હાર્દિક પંડ્યા માટે ઈન્જરી એક મોટો માથાનો દુ:ખાવો રહી છે. IPL 2026 દરમિયાન પણ તે બેક સ્પાઝમ (પીઠનો દુ:ખાવો)થી ઝઝૂમી રહ્યો હતા. જેના કારણે તેણે ગ્રુપ સ્ટેજની 4-5 મેચો ગુમાવવી પડી હતી. માત્ર IPL 2026ની મેચો જ નહીં, પરંતુ આ અગાઉ પણ ઈજાના કારણે ઘણી મોટી ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટ્સ અને સિરીઝ ગુમાવવી પડી છે. ઈજાના કારણે જ હાર્દિક પંડ્યાને એશિયા કપ 2025ની વચ્ચેથી જ બહાર થવું પડ્યું હતું. એટલું જ નહીં, એ જ ઈજામાંથી રિકવર ન થઈ શકવાના કારણે તે એશિયા કપ 2025 પછીના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી પણ બહાર રહ્યો હતો.
ઈન્જરીમાંથી વાપસી કરીને જીતાડ્યો હતો T20 WC
જોકે, એશિયા કપ 2025માં થયેલી ઈન્જરીમાંથી ફૂલ રિકવરી બાદ હાર્દિક પંડ્યાએ જ્યારે વાપસી કરી તો ભારતને T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડ કપ 2026ની 9 મેચોની 9 ઈનિંગ્સમાં 160.74ના સ્ટ્રાઈક રેટથી 217 રન બનાવ્યા હતા. આ ઉપરાંત તેણે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરીને 9 વિકેટ ઝડપી હતી.
પંડ્યાના સ્થાને આ ખેલાડીઓ જઈ શકે છે
જોકે, T20 વર્લ્ડ કપ 2026માં ભારતને ચેમ્પિયન બનાવ્યા બાદ હાર્દિક પંડ્યા IPL 2026 દરમિયાન ફરી ઇજાગ્રસ્ત થઈ ગયો, જેના કારણે તે હાલ રિકવરી મોડમાં છે. વનડે વર્લ્ડ કપ 2027ને ધ્યાનમાં રાખીને સિલેક્ટર્સ હાર્દિકને T20થી દૂર રાખવા માંગે છે. આ જ કારણ છે કે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ પર તેનું જવું નક્કી નથી. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં શિવમ દૂબે અને નીતિશ રેડ્ડીને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસની T20 ટીમમાં ઓલરાઉન્ડર તરીકે સામેલ કરવામાં આવી શકે છે.


Leave a Comment