Supreme Court News on AI : સુપ્રીમ કોર્ટે દેશની વિવિધ કોર્ટોમાં એઆઇના ઉપયોગ પર કેટલાક નિયંત્રણો લાદવા માટેના નિયમોનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. સાથે જ આ મુદ્દે લોકોના અભિપ્રાય પણ માગ્યા છે. આ ડ્રાફ્ટમાં કેવા સંજોગોમાં એઆઇનો ઉપયોગ કરવો અને ના કરવો વગેરેની એક યાદી આપવામાં આવી છે. ડ્રાફ્ટ મુજબ કોઇ પણ કોર્ટમાં એઆઇની માહિતીના આધારે ચુકાદો નહીં આપી શકાય તેવા નિયંત્રણો પણ લાદવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા એઆઇના ઉપયોગના નિયંત્રણો અને નિયમો માટે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કમિટીની રચના કરી હતી, આ કમિટી દ્વારા જ એઆઇના નિયંત્રણો માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જેને હાલ સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો અને લોકોના અભિપ્રાય માગવામાં આવ્યા હતા. વિવિધ કેસોમાં એઆઇના વધી રહેલા દુરૂપયોગને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ દ્વારા દેશની તમામ કોર્ટો માટે એઆઇના નીતિ નિયમો જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો.
જે ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે તેમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઇ પણ મામલામાં ન્યાયિક નિષ્કર્ષ (ચુકાદા, આદેશ, કાયદા કે હકિકતના ફાન્ડિંગ) માત્ર એઆઇ જનરેટેડ માહિતી, ડેટા કે એનાલીસિસ આધારિત ના હોવો જોઇએ. એટલુ જ નહીં ડ્રાફ્ટમાં એઆઇના સારા કાર્ય માટે ઉપયોગમાં લેવાને પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું છે.
જેમાં કોર્ટો પર કેસોનું જે ભારણ છે તેને એઆઇના ઉપયોગથી હળવુ કરવા એક સ્ટેટેજિક રોડમેપ પણ આપવામાં આવ્યો છે.
જેમ કે કેસ મેનેજમેન્ટ, કાર્યવાહીની ઓટોમેટેડ ટ્રાન્સક્રિપ્શન, કાયદાકીય દસ્તાવેજોનું સ્થાનિક ભાષામાં ભાષાંતર, લિગલ રિસર્ચમાં મદદ, કોર્ટ કાર્યવાહીની માહિતી આપવા અરજદારોને ચેટબોટ્સ દ્વારા મદદ પુરી પાડવી વગેરેનો સમાવેશ કરાયો છે. જાહેર જનતા અને તમામ પક્ષકારો પાસેથી આ સમગ્ર દેશની કોર્ટોમાં લાગુ થનારા ૩૫ પાનાના ડ્રાફ્ટ માટે ૨૦મી જૂન સુધી અભિપ્રાયો માગવામાં આવ્યા છે.


Leave a Comment