Ahmedabad Court: અમદાવાદની ઘી કાંટા મેટ્રોપોલીટન કોર્ટમાં શનિવારે (છઠ્ઠી જૂન) બપોરે ચોંકાવનારી ઘટના સામે આવી હતી. કોર્ટ નંબર-15માં ઘરેલુ હિંસા (ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ)ના એક કેસની સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન ચાલુ કોર્ટે જજની હાજરીમાં જ એક ઉશ્કેરાયેલા પતિએ તેની પત્નીના વકીલ પર હુમલો કરી ચારથી પાંચ લાફા ઝીંકી દીધા હતા. આ અણધારી ઘટનાને પગલે વકીલો અને પક્ષકારોથી ભરેલા આખા કોર્ટ રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો અને સુરક્ષાને ધ્યાને રાખી જજ તાત્કાલિક ડાયસ પરથી ઊભા થઈ પોતાની ચેમ્બરમાં જતા રહ્યા હતા.
પત્ની અન્ય યુવક સાથે વાત કરતી હોવાની શંકાથી વિવાદ વકર્યો
મળતી માહિતી અનુસાર, રખિયાલ વિસ્તારમાં રહેતી પત્નીએ તેના પતિ વિરૂદ્ધ ઘરેલુ હિંસા સહિતની વિવિધ કલમો હેઠળ મેટ્રો કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. શનિવારે આ કેસની સુનાવણી હોવાથી બંને પક્ષો કોર્ટમાં હાજર હતા અને પોતાના કેસનો નંબર આવવાની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન પત્નીએ તેની બાજુમાં બેઠેલા એક અન્ય યુવક સાથે સ્વાભાવિક વાતચીત શરૂ કરી હતી. આ દ્રશ્ય જોઈ દૂર બેઠેલો પતિ શંકાશીલ વર્તણૂકને કારણે અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને “આ કોણ છે…?” તેમ કહી ચાલુ કોર્ટમાં જોરજોરથી બોલાચાલી કરવા લાગ્યો હતો. કોર્ટ રૂમનું વાતાવરણ ડહોળાતું જોઈ પત્નીના વકીલ અશોક પરમારે તાત્કાલિક ત્યાં પહોંચી પતિને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આવેશમાં આવેલા પતિએ કંઈ પણ વિચાર્યા વગર વકીલ અશોક પર જ હુમલો કરી દીધો હતો.
વકીલોએ ચખાડ્યો મેથીપાક
વકીલને લાફા માર્યા હોવાના સમાચાર વાયુવેગે સમગ્ર કોર્ટ સંકુલમાં ફેલાઈ ગયા હતા. આ ઘટનાથી રોષે ભરાયેલા મોટી સંખ્યામાં વકીલો કોર્ટ નંબર-15માં ધસી આવ્યા હતા અને વકીલ પર હાથ ઉપાડનાર પતિને ચારેબાજુથી ઘેરીને કોર્ટ પ્રાંગણમાં જ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.
કોર્ટ કેમ્પસમાં લગભગ દોઢ કલાક સુધી ભારે હંગામો, દોડધામ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક કારંજ પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી. પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વકીલોના ચુંગાલમાંથી પતિને છોડાવી પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ ગયો હતો. હાલ પોલીસે આરોપી પતિ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.


Leave a Comment