![]()
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. પરંતુ બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં તીવ્ર કડાકો જોવા મળ્યો હતો. નવી માગ ધીમી હતી. સામે વિશ્વબજાર તૂટતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓમાં સેલીંગ વધ્યું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
કરન્સીમાં બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ આજે આંચકા પચાવી ફરી ઉછળી રૂ.૯૫ની સપાટી કુદાવી ગયાના નિર્દેશો હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં પીછેહટ દેખાઈ હતી.
દરમિયાન વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ વધી ૧૦૦નીસપાટી વટાવી જતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના સમાચાર હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૫૬૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૭૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ તૂટી રૂ.૨૫૦૦૦૦ રહ્યા હતા.
વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૪૪૬૫થી ૪૪૬૬ ડોલરવાળા ગબડી નીચામાં ભાવ ૪૩૧૧ થઈ છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૪૩૨૮થી૪૩૨૯ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારના જાણકારોના જણાવ્યા મુજબ અમેરિકામાં જોબગ્રોથનો ડેટા અપેક્ષાથી નોંધપાત્ર ઉંચો આવતાં ત્યાં આગળ ઉપર હવે વ્યાજ દરમાં વૃધ્ધિ થવાની શક્યતા વધતાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૦.૬૬ ટકા વધી ઉંચામાં ૧૦૦.૧૧ થઈ ૧૦૦.૦૭ રહેતાં બે મહિનાની ટોચ દેખાઈ હતી.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૨૨૦૦ ઘટી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂ.૧૫૧૪૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૨૦૦૦ બોલાયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૧ હજાર તૂટી રૂ.૨૪૬૦૦૦૦ બોલાયા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૭૨.૭૨થી ૭૨.૭૩ વાળા ગબડી નીચામાં ભાવ ૬૭.૫૭ ડોલર થઈ છેલ્લે ભાવ ૬૭.૮૩થી ૬૭.૮૪ ડોલર રહ્યા હતા.
પ્લેટીનમના ભાવ ૧૭૮૧ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૧૨૨૭ ડોલર રહ્યા હતા. આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૪.૯૫ વાળા ઉછળી રૂ.૯૫.૩૫થી ૯૫.૪૦ બોલાયા હતા. વૈશ્વિક શેરબજારો શુક્રવારે તૂટયાના સમાચાર હતા. દરમિાયન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં પણ ઘટાડો દેખાયો હતો.
બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૯૫.૨૦થી ઘટી ૯૨.૬૭ થઈ ૯૩.૦૯ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૯૩.૩૦ વાળા નીચામાં ૮૯.૬૯ થઈ ૯૦.૫૪ ડોલર રહ્યા હતા. નવી માગ ધીમી હતી. ઈરાન તથા અમેરિકા વચ્ચે યુધ્ધ સમજૂતી થાય છે કે નહિં તેના પર બજારની નજર રહી હતી. દરમિયાન, અમેરિકાના નેવલ બ્લોકેડના કારણે ઈરાનના ઓઈલ રેવેન્યુને આશરે છ અબજ ડોલરના ફટકો પડયાના સમાચાર મળ્ય હતા.


Leave a Comment