![]()
Akshay Kumar on Working with Raveena: બોલિવૂડના ‘ખિલાડી’ અક્ષય કુમાર અને મસ્ત-મસ્ત ગર્લ રવિના ટંડનની જોડી એક જમાનામાં સુપરહિટ માનવામાં આવતી હતી. ‘મોહરા’ (1994), ‘ખિલાડીયોં કા ખિલાડી’ (1996) અને ‘પોલીસ ફોર્સ’ (2004) જેવી યાદગાર ફિલ્મો આપ્યા બાદ, આ સુપરસ્ટાર જોડી હવે આગામી મલ્ટિસ્ટારર કોમેડી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ દ્વારા ફરી એકવાર મોટા પડદા પર ધમાકો કરવા જઈ રહી છે. આ ફિલ્મના ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટ દરમિયાન અક્ષય કુમારે રવિના ટંડન સાથે આટલા વર્ષો પછી કામ કરવાના પોતાના અનુભવને શેર કર્યો હતો.
આજે પણ અકબંધ છે રવિનાની પ્રોફેશનલિઝમ
રવિના ટંડનની પ્રશંસા કરતા અક્ષય કુમારે તેને અત્યંત ‘પ્રોફેશનલ’ ગણાવી હતી. તેણે જૂના દિવસોનો એક કિસ્સો યાદ કરતા જણાવ્યું કે, ‘તેનું પ્રોફેશનલિઝમ આજે પણ બિલકુલ બદલાયું નથી, તે પહેલાં જેવી જ સમર્પિત છે. મને યાદ છે કે અમે એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા અને સૂર્યાસ્ત થવામાં માત્ર 25 થી 30 મિનિટનો જ સમય બાકી હતો. અમારો ગ્રીન રૂમ ઘણો દૂર હતો અને રવિનાએ શૉટ માટે ઝડપથી કપડાં બદલીને પાછા આવવાનું હતું, જે લગભગ અશક્ય લાગતું હતું. જોકે રવિનાએ જનરેટર વેનની અંદર જઈને ફટાફટ કપડાં બદલી નાખ્યા અને સમયસર શૉટ આપવા આવી ગઈ હતી.’
‘પહેલાં તે હીરોઇન હતી, હવે હીરોઇનની માતા છે’
એક અભિનેત્રી તરીકે રવિના ટંડનના ગ્રોથના વખાણ કરતા અક્ષય કુમારે મજાકિયા અંદાજમાં એક મોટો ફેરફાર ગણાવ્યો હતો. તેણે હસતા હસતા કહ્યું, ‘તેનામાં આટલા વર્ષોમાં ઘણો બદલાવ આવ્યો છે, તે એક શાનદાર એક્ટ્રેસ છે. પરંતુ સૌથી મોટો ફેરફાર એ છે કે, પહેલાં તે ફિલ્મોમાં હીરોઇન બનતી હતી અને હવે તે એક હીરોઇનની માતા છે (અક્ષય કુમારનો ઈશારો રવિનાની દીકરી રાશા થડાની તરફ હતો, જે ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે).’
26 જૂને થિયેટરોમાં રિલીઝ થશે ફિલ્મ
કોરિયોગ્રાફરમાંથી ડિરેક્ટર બનેલા અહેમદ ખાનના નિર્દેશનમાં બનેલી ‘વેલકમ ટુ ધ જંગલ’ એ સુપરહિટ સીરિઝ ‘વેલકમ’ અને ‘વેલકમ બેક’નો ત્રીજો ભાગ છે. અહેમદ ખાન અગાઉ ‘બાગી 2’, ‘બાગી 3’ અને ‘હીરોપંતી 2’ જેવી એક્શન ફિલ્મોનું ડાયરેક્શન કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં અક્ષય અને રવિના ઉપરાંત સુનિલ શેટ્ટી, અર્શદ વારસી, દિશા પટણી, જેકલીન ફર્નાન્ડીઝ, લારા દત્તા, જેકી શ્રોફ, પરેશ રાવલ, જોની લીવર, રાજપાલ યાદવ, કૃષ્ણા અભિષેક અને કીકુ શારદા જેવા કલાકારોની લાંબી ફોજ જોવા મળશે. આ મોસ્ટ અવેટેડ કોમેડી ફિલ્મ આગામી 26 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
અક્ષય અને રવિનાના સંબંધ
અક્ષય કુમાર અને રવિના ટંડન એક સમયે લગ્ન કરવાના હતા. તેમના સંબંધો ખૂબ જ ચર્ચામાં રહ્યાં હતાં. રવિના અને અક્ષયે સગાઈ પણ કરી લીધી હતી જે ત્યાર બાદ તૂટી ગઈ હતી. અક્ષય કુમાર ઇચ્છતો હતો કે તેના લગ્ન જેની સાથે થાય તે ફિલ્મોમાંથી સન્યાસ લઈ લે. એ સમયે રવિનાએ ફિલ્મો કરવાની પણ ઓછી કરી દીધી હતી. જોકે અક્ષય કુમારના અન્ય હીરોઇન સાથે નામ ચર્ચામાં આવ્યા હતા અને રવિનાએ સગાઈ તોડી કાઢી હતી. વર્ષો બાદ રવિનાએ જાહેરમાં તેને પ્રેમમાં ધોકો મળ્યો હોવાની પણ વાતો કહી હતી.


Leave a Comment