![]()
Abishek Porel Delhi Capitals Cricketer Case: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં દિલ્હી કેપિટલ્સની ટીમ તરફથી રમનારા પશ્ચિમ બંગાળના યુવા ક્રિકેટર અભિષેક પોરેલ વિરુદ્ધ લગ્નની ખોટી લાલચ આપીને શોષણ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. મંગળવારે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, કર્ણાટકની એક મેડિકલ વિદ્યાર્થિનીએ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના મોગરા પોલીસ સ્ટેશનમાં ક્રિકેટર વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. 23 વર્ષીય અભિષેક પોરેલ આ જ જિલ્લાના ચંદનનગરના વતની છે અને હાલ તેઓ બેંગલુરુમાં હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આઇપીએલના આ સ્ટાર ખેલાડીએ પોતાની સામે લાગેલા તમામ આરોપોને સદંતર ખોટા ગણાવ્યા છે.
3 વર્ષથી રિલેશનશિપમાં હોવાનો પીડિતાનો દાવો
પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદ કરનાર યુવતીનો આરોપ છે કે તે છેલ્લા 3 વર્ષથી અભિષેક પોરેલ સાથે પ્રેમ સંબંધમાં હતી અને બંનેએ પરસ્પર સહમતીથી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, આશરે દોઢ વર્ષ પહેલાં તેમની વચ્ચે કેટલીક અંગત સમસ્યાઓ ઊભી થઈ હતી અને મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો હતો, પરંતુ તે સમયે કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી. આ વખતે યુવતી પોતાની માતા સાથે મોગરા પોલીસ સ્ટેશન આવી હતી અને ક્રિકેટર વિરુદ્ધ કાયદેસરની લેખિત ફરિયાદ દાખલ કરાવી છે, જેના પગલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
દિલ્હી કેપિટલ્સનો ભરોસાપાત્ર વિકેટકીપર બેટ્સમેન છે અભિષેક
અભિષેક પોરેલને આઇપીએલ 2025 ની સીઝનમાં દિલ્હી કેપિટલ્સની ટીમમાં ભારતીય ક્રિકેટર ઋષભ પંતના સ્થાને રમવાની મહત્વની તક મળી હતી. તે સીઝનમાં માત્ર 4 મેચ રમવા છતાં ફ્રેન્ચાઇઝીએ તેના પર ભરોસો જાળવી રાખ્યો હતો. તાજેતરની સીઝન્સમાં શાનદાર રન બનાવીને તેણે એક યુવા વિકેટકીપર તરીકે ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. અભિષેકે આઇપીએલની 35 મેચોમાં 25.63 ની સરેરાશથી 769 રન બનાવ્યા છે. જેમાં 4 અર્ધસદી સામેલ છે. આ ઉપરાંત, તે 23 લિસ્ટ-એ મેચોમાં 833 રન અને 61 ટી20 મુકાબલામાં 1,590 રન બનાવી ચૂક્યો છે, ત્યારે આ વિવાદથી તેના કરિયર પર સંકટના વાદળો ઘેરાયા છે.


Leave a Comment