સામાન્ય રીતે લોકો મચ્છરોથી બચવા માટે બજારમાં મળતી મોસ્કિટો કોઈલ, લિક્વિડ કે કેમિકલ સ્પ્રેનો ઉપયોગ કરે છે.
પરંતુ આ કેમિકલ્સનો ધુમાડો શ્વાસમાં જવાથી અસ્થમા, ઉધરસ અને એલર્જી જેવી શ્વસનતંત્રની તકલીફો થઈ શકે છે. આવી સ્થિતિમાં ઘરમાં જ રહેલી કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને મચ્છરોને કોઈપણ આડઅસર વગર ભગાડવા એ સૌથી ઉત્તમ અને સલામત વિકલ્પ છે.
નેચરલ દીવો બનાવવા માટે જરૂરી સામગ્રી
તમે ઘરના રસોડામાં હાજર વસ્તુઓથી જ મચ્છર ભગાડવાની દેશી દવા તૈયાર કરી શકો છો. આ માટે તમારે નીચે મુજબની સામગ્રીની જરૂર પડશે:
- 1 નંગ મોટું લીંબુ
- થોડાં સૂકાં કે તાજાં લીમડાના પાન
- દીવાની વાટ બનાવવા માટે રૂ
- લીમડાનું તેલ (જો ઉપલબ્ધ ન હોય તો સરસવનું તેલ)
- 2 થી 3 નાના ટુકડા કપૂર
- 5 થી 6 નંગ લવિંગ
- 1 નાનો તજનો ટુકડો
ઘરે નેચરલ દીવો તૈયાર કરવાની સરળ રીત
આ કુદરતી દીવો બનાવવાની રીત અત્યંત સરળ છે. સૌથી પહેલાં એક લીંબુને વચ્ચેથી કાપીને તેનો રસ અલગ કરી લો. હવે ચમચી વડે અડધા લીંબુની અંદરનો વધારાનો પલ્પ (ગર) સાફ કરી લો,
જેથી લીંબુની છાલ એક નાની વાટકી જેવી બની જાય. ત્યારબાદ આ છાલના તળિયે ક્રશ કરેલા લીમડાના પાન પાથરી દો.
હવે રૂમાંથી બનાવેલી દિવેટને લીંબુની છાલની બરાબર વચ્ચે ગોઠવો અને તેના પર લીમડાનું અથવા સરસવનું તેલ ઉમેરો. છેલ્લે વાટની આસપાસ કપૂરના ટુકડા અને વાટેલું લવિંગ-તજ ચારેય તરફ છાંટી દો.



