‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલ અનુસાર, આ છટણીની સૌથી મોટી અસર કંપનીના પ્રોડક્ટ, ટેકનોલોજી, લીગલ અને હ્યુમન રિસોર્સ (HR) વિભાગો પર જોવા મળી છે. સહ-સીઇઓ ટેડ સારાંડોસ અને ગ્રેગ પીટર્સે એક આંતરિક ઇ-મેઇલ દ્વારા તમામ કર્મચારીઓને આ નિર્ણય અંગે અધિકૃત માહિતી આપી હતી.
નેટફ્લિક્સના નેતૃત્વએ સ્વીકાર્યું છે કે આ પ્રકારના નિર્ણયો લેવા ક્યારેય આસાન હોતા નથી, પરંતુ બદલાતા વૈશ્વિક બજાર અને કંપનીના લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખીને આ વ્યવસાયિક ફેરફાર કરવો જરૂરી બન્યો હતો.
ગ્રોથની ધીમી ગતિ અને શેરબજારમાં કડાકો
નેટફ્લિક્સ છેલ્લા કેટલાક સમયથી પોતાના બિઝનેસ ગ્રોથમાં ધીમાપણાનો સામનો કરી રહી છે. તાજેતરમાં જ એક ઈવેન્ટ દરમિયાન સીઈઓ ટેડ સારાંડોસે સંકેત આપ્યો હતો કે કંપની જે ઝડપે આગળ વધવી જોઈએ તે ઝડપથી વધી રહી નથી. આ સાથે જ વોલ સ્ટ્રીટ અને શેરબજારમાં પણ કંપની માટે મુશ્કેલ તબક્કો ચાલી રહ્યો છે.
વિતેલા છ મહિનામાં કંપનીના શેરોમાં અંદાજે 30 ટકા અને છેલ્લા એક વર્ષમાં લગભગ 40 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. જેથી રોકાણકારો તરફથી પણ કંપની પર ગ્રોથ વધારવાનું ભારે દબાણ બની રહ્યું છે.
મનોરંજન બજારમાં વધતી હરીફાઈ અને પ્રેક્ષકોની બદલાતી પસંદગી
આજના સમયમાં ડિજિટલ મનોરંજન ક્ષેત્રે સ્પર્ધા અત્યંત તીવ્ર બની ગઈ છે. યુટ્યુબ, શોર્ટ-વિડિયો પ્લેટફોર્મ્સ અને અન્ય સ્ટ્રીમિંગ સેવાઓને કારણે દર્શકોની મનોરંજન મેળવવાની આદતોમાં મોટો ફેરફાર આવ્યો છે.
નેટફ્લિક્સ પોતાના પરંપરાગત સબસ્ક્રિપ્શન મોડલ ઉપરાંત હવે લાઇવ સ્પોર્ટ્સ, ગેમિંગ અને વિડિયો પોડકાસ્ટ જેવા નવા ક્ષેત્રોમાં પણ પગપેસારો કરી રહી છે. આ તીવ્ર હરીફાઈ વચ્ચે પોતાના ગ્રાહકોને જાળવી રાખવા અને નવા ગ્રાહકો ઉમેરવા માટે કંપનીને સતત નવા રસ્તાઓ શોધવા પડી રહ્યા છે.



