આ નવી વ્યવસ્થા મુજબ, વીમો ખરીદતી કે રિન્યુ કરતી વખતે ગ્રાહકે એક ખાસ ‘કસ્ટમર ઓપ્શન ફોર્મ’ ભરવું પડશે, જેમાં દરેક ભાગ માટે કવચ જોઈએ છે કે નહીં તે અંગે અલગથી ટિકમાર્ક કરવાનું રહેશે. જો ગ્રાહક ઉતાવળમાં કે સમજ્યા વગર ખોટો વિકલ્પ પસંદ કરશે, તો અકસ્માત સમયે પરિવારના સભ્યોને વીમાનું કોઈ વળતર મળશે નહીં.
સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ લેવાયો નિર્ણય
આ મોટા ફેરફાર પાછળ 4 ઓગસ્ટ, 2026ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા ‘નેશનલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ વિરુદ્ધ થુંગાલા ધન લક્ષ્મી’ કેસમાં આપવામાં આવેલો ઐતિહાસિક ચુકાદો જવાબદાર છે.
આ વર્ષો જૂના કેસમાં કારના માલિક ટી. રામુ પોતાની જ કારમાં મુસાફર તરીકે બેસીને જઈ રહ્યા હતા, ત્યારે એક અજાણી ટ્રકે ટક્કર મારતા તેમનું દુઃખદ અવસાન થયું હતું. કારનો કોમ્પ્રિહેન્સિવ વીમો હોવા છતાં વીમા કંપનીએ એવું બહાનું કાઢીને ક્લેમ નકાર્યો હતો કે માલિકે પોતે મુસાફર તરીકે બેસવા માટે અલગ પ્રીમિયમ ભર્યું નથી.
સુપ્રીમ કોર્ટે વીમા કંપનીની દલીલ ફગાવી દઈને IRDAIને આદેશ આપ્યો હતો કે ગ્રાહકોની મૂંઝવણ દૂર કરવા માટે પોલિસીના નિયમોને ચાર સ્પષ્ટ વિભાગોમાં સરળ શબ્દોમાં રજૂ કરવામાં આવે.
નવી પોલિસીના 4 વિભાગ અને કયા કવચ ફરજિયાત રહેશે?
IRDAIની નવી માર્ગદર્શિકા મુજબ, હવે દરેક પોલિસીમાં ચાર સ્પષ્ટ સેક્શન હશે અને દરેકનું પ્રીમિયમ પણ અલગ-અલગ દર્શાવવામાં આવશે. પ્રથમ સેક્શન-1 (થર્ડ-પાર્ટી લાયેબિલિટી) કાયદાકીય રીતે ફરજિયાત છે.
બીજો સેક્શન-2 કારમાં બેઠેલા અન્ય મુસાફરો કે બાઈક પાછળ બેસનાર (પિલિયન રાઈડર) માટેની કાનૂની જવાબદારીનો છે, જે વૈકલ્પિક છે. ત્રીજો સેક્શન-3 (પર્સનલ એક્સિડન્ટ કવર) વાહન માલિક માટે ફરજિયાત છે, જ્યારે પરિવારના અન્ય સભ્યો કે મુસાફરો માટે તે વૈકલ્પિક રાખવામાં આવ્યો છે.
ચોથો સેક્શન-4 (ઓન-ડેમેજ કવર) તમારા પોતાના વાહનને થતા નુકસાન માટે છે, જે પણ ગ્રાહકની પસંદગી પર નિર્ભર રહેશે. વીમા નિષ્ણાતોના મતે આ ફેરફારથી પ્રીમિયમના દરમાં કોઈ મોટો ઘટાડો નહીં થાય, પરંતુ પોલિસીમાં પારદર્શિતા ચોક્કસ વધશે.
સેક્શન-2 અને સેક્શન-3 વચ્ચેનો તફાવત સમજવો કેમ જરૂરી છે?
વીમા નિષ્ણાતો ચેતવણી આપે છે કે ગ્રાહકોએ સેક્શન-2 અને સેક્શન-3 વચ્ચેનો સૂક્ષ્મ તફાવત ખાસ સમજવો પડશે. નિયમ મુજબ, સેક્શન-2 હેઠળ મળતા કવચમાંથી વાહન માલિકના નજીકના પરિવારજનો એટલે કે માતા-પિતા, જીવનસાથી (પતિ-પત્ની) અને બાળકોને બાકાત રાખવામાં આવ્યા છે.
અર્થાત્, જો તમે કાર ચલાવતા હોવ અને અકસ્માતમાં તમારા પરિવારના સભ્યોને ઈજા થાય કે મૃત્યુ થાય, તો સેક્શન-2 હેઠળ કોઈ વળતર મળશે નહીં. તેથી, પરિવારની આર્થિક સુરક્ષા માટે સેક્શન-3 હેઠળ આપવામાં આવતા ‘ઓપ્શનલ પર્સનલ એક્સિડન્ટ કવર’નો વિકલ્પ અલગથી પસંદ કરવો અત્યંત આવશ્યક છે.
વાહન માલિકના કવચનો વ્યાપ પણ વધ્યો
નવા નિયમોમાં વાહન માલિકને મળતા ફરજિયાત પર્સનલ એક્સિડન્ટ કવરનો વ્યાપ પણ વિસ્તારવામાં આવ્યો છે. હવે વાહન માલિક માત્ર પોતે ડ્રાઈવિંગ કરતો હોય ત્યારે જ નહીં, પરંતુ પોતાની કારમાં મુસાફર તરીકે બેઠો હોય કે વાહનમાં ચડતો-ઉતરતો હોય ત્યારે પણ અકસ્માત થાય તો વીમા કવચનો હકદાર ગણાશે.
આ કવચ હેઠળ અકસ્માતમાં મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં કોઈ લાંબી કાનૂની લડત વગર નિશ્ચિત વળતર ચૂકવવામાં આવે છે. જોકે, આ લાભ મેળવવા માટે વાહન વ્યક્તિગત નામે રજિસ્ટર્ડ હોવું અને માલિક પાસે માન્ય ડ્રાઈવિંગ લાઈસન્સ હોવું ફરજિયાત છે.
આ ઉપરાંત, કંપનીઓએ ગ્રાહકને પોલિસીની તમામ વિગતો સરળ ભાષામાં સમજાવતું ‘કસ્ટમર ઈન્ફોર્મેશન શીટ’ આપવું પણ ફરજિયાત રહેશે.



